ત્રણ તલાક મુદ્દે દેશમાં વ્યાપક ગેરસમજણો, જ્યારે રાજકીય પરિબળો ભ્રમણાઓ ફેલાવે છે : મૌ.સજ્જાદ નૌમાની

(સંવાદદાતા દ્વારા)
મહેસાણા,તા.૧૩
ત્રણ તલાકના મુદ્દે દેશભરમાં વ્યાપક ગેરસમજણો સર્જાઈ છે અને રાજકીય પરિબળો દ્વારા ભ્રમણાઓ પણ ફેલાવાઈ રહી છે પરંતુ હકીકત એ છે કે ઈસ્લામમાં મહિલાઓને જે હકો આપવામાં આવ્યા છે તે દુનિયાના કોઈપણ ધર્મમાં મહિલાઓને મળેલ નથી તેવું મહેસાણા જિલ્લાના નંદાસણ ખાતે આવેલ ડો. નાકાદાર સ્કૂલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સદસ્ય મૌલાના ખલીરૂર્રહેમાન સજજાદ નોમાનીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું. વધુમાં ઉમેરતા મૌલાના સજજાદ નોમાનીએ કહ્યું હતું કે, અમે ત્રણ તલાક બિલ અંગે સ્પષ્ટતાઓ કરવા કેન્દ્ર સરકારમાં સામેલ ત્રણ પાર્ટીઓ સાથે ચર્ચાઓ કરીને તેઓને આ બિલથી મુસ્લિમ મહિલાઓને થનાર નુકસાન અંગે વિગતો આપી હતી અને આ આખોય મુદ્દો દેશના બંધારણ, સુપ્રીમકોર્ટના નિર્દેશ તેમજ મહિલાઓની વિરુધ્ધમાં છે તેવું સમજાવતાં તેમણે રાજયસભામાં તલાકના બિલનો વિરોધ કરીશું તેવી ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે, દુનિયાનો રચનાકાર અલ્લાહ જ છે અને માનવીને જીવન જીવવા સુવિધાઓ પૂરી પાડનાર પણ તે છે. કુર્આન અને હુઝુર (સ.અ.વ.)નું જીવન માનવજાત માટે પ્રેરક છે. આ માર્ગ ઉપર ચાલનારને દુનિયાના તમામ ક્ષેત્રે સફળતા મળે છે. દીની અને દુનિયવી શિક્ષણ જુદા નથી પરંતુ બન્ને એક જ છે. કુર્આનમાં ટેક્ષટાઈલ, સ્ટીલ સહિત વેપાર-ધંધો અને સાયન્સ ટેકનોલોજીનો ઉલ્લેખ કરાયો છે માત્ર પરિવર્તનનું ચક્ર ચાલે છે જેને જુદા જુદા નામ આપી ઓળખ અપાય છે શિક્ષણ ફકત ફાયદાકારક અને નુકસાનકારકનો ભેદ સમજીને પ્રાપ્ત કરવું જોઈએ. કોઈ વ્યકિત એન્જિનિયર, ડોકટર, વકીલની ડિગ્રી મેળવે અને સમાજ સેવાના માર્ગે તેનો ઉપયોગ કરે તો રબ તઆલાનો પસંદગીનો બની શકે છે. પરંતુ હાલના યુગમાં ઉચ્ચ ડિગ્રીઓ મેળવીને લોકો સમાજના ઉત્કર્ષની ભાવના ભૂલી પોતાના આર્થિક હેતુઓને સિધ્ધ કરવા પ્રોફેશનલ બની જાય છે. પશ્ચિમી દેશોનું આંધળુકિયું કરીને દેશના યુવાનો ઈસ્લામ અને સમાજથી જોજનો દૂર થઈ રહ્યા છે. આ માર્ગ ભૂલેલાઓને પાછા યોગ્ય રસ્તે વાળવા સારા માહોલનું સર્જન કરવાની જરૂર છે. છેલ્લે તેમણે સમાજમાં સ્ત્રી કેળવણી ઉપર ભાર મૂકતાં દેશ અને દુનિયામાંથી આતંકવાદના ઓછાયાને દૂર કરીને શાંતિ અને સદભાવનાનું વાતાવરણ સર્જાય તેવી દુઆઓ કરી હતી.
આ પ્રસંગે આફમીના પ્રમુખ ડો. એ.આર. નાકાદારે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજમાં શિક્ષણનું પ્રમાણ અન્ય સમાજોની તુલનામાં ખૂબ જ ઓછું છેે જયારે શિક્ષણ મેળવવા પરિશ્રમ કરનાર બંદો અલ્લાહને પસંદ છે હરિફાઈના યુગમાં દરેક પ્રકારનું શિક્ષણ મેળવવું જરૂરી છે. જેનાથી દરેક ક્ષેત્રે સફળતા મેળવી શકાય. દુનિયામાં ઈસ્લામ સર્વ શ્રેષ્ઠ ધર્મ છે ઈસ્લામનો ફેલાવો જર્મની, અમેરિકા અને ઈંગ્લેન્ડ જેવા દેશોમાં થઈ રહ્યો છે તેની પાછળ ત્યાંના મુસલમાનોના અખલાક અને કુર્આન બોધ જવાબદાર છે. તેઓ મુસ્લિમોની સાદગીપૂર્ણ રહેણીકરણી અને કુર્આનના અભ્યાસ બાદ ઈસ્લામ તરફ પ્રેરાયા છે. જો કે બીજી તરફ અનેક ભ્રમણા ફેલાવવાનું કાર્ય પણ થઈ રહ્યું છે પરંતુ મુસલમાનોએ તેને દૂર કરવા અલ્લાહ અને તેના મહેબુબે દર્શાવેલ માર્ગ ઉપર જીવન વ્યતિત કરી પોતાના અખલાક સુધારવાની જરૂર છે. હવે, સમાજની શૈક્ષણિક સંસ્થાઓમાં દીન અને દુનિયાનું શિક્ષણ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવાનો સમય પાકયો છે. વધુમાં તેમણે નંદાસણ સ્થિત ડો. નાકાદાર ઈન્સ્ટીટયુટમાં યુવાનોને રોજગારી મળે તે માટે સ્કીલ ટ્રેઈનિંગ કોર્સ, વિજ્ઞાન પ્રવાહના છાત્રો માટે જીઈઈ અને નીટના તાલીમ વર્ગો તેમજ દીની તાલીમ આપી રહેલા મૌલવીઓ માટે અંગ્રેજી અને કોમ્પ્યુટરનું શિક્ષણ આપવાના વર્ગો શરૂ કરવાની ઘોષણા કરી હતી. આ પ્રસંગે શફી લોખંડવાલા, સંસ્થાના પ્રિન્સિપાલ ડો. સલમાન સુલતાન, ડો. સીદ્દીક કડિયાવાલા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks