પાવાગઢ નજીક તળાવમાં ડૂબી જતાં વડોદરાના ૩ યુવાનનાં મોત

અમદાવાદ, તા.૩૦
વડોદરામાંથી પાવાગઢ ફરવા ગયેલા ત્રણ મિત્રોના ડૂબી જવાથી મોત થયા છે. પાવાગઢ નજીક આવેલા વડા તળાવમાં ન્હાવા પડ્યાં બાદ ત્રણેય મિત્રો ડૂબી ગયા હતા. ઘટનાસ્થળે દોડી આવેલા ફાયરબ્રિગેડે ત્રણેયનાં મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સંસ્કારી નગરી વડોદરાના ત્રણ મિત્રો સોમવારે ફરવા માટે પાવાગઢ ગયા હતા. ત્રણેય યુવકો શહેરના સલાટવાડા વિસ્તારમાં રહેતા હોવાની માહિતી મળી છે. પાવાગઢ પહોંચ્યા બાદ ત્રણેય મિત્રો વડા તળાવમાં ન્હાવા માટે પડ્યાં હતાં. જ્યાં એક મિત્ર પાણીમાં ડૂબવા લાગતા બીજા મિત્રો તેને બચાવવા લાગ્યા હતા. જોકે, ત્રણેય મિત્રો એક પછી એક ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. આ અંગેની જાણ લોકોને થતાં ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડે લાંબી શોધખોળ બાદ ત્રણેય મિત્રોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા હતા. મૃતકમાંથી એક યુવકનું નામ તપન શાહ હોવાનું માલુમ પડ્યું છે. પોલીસે આ કેસમાં અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. એક સાથે ત્રણ-ત્રણ યુવકો તળાવમાં ડૂબી ગયાના સમાચાર જાણીને હાલોલ તાલુકાના મામલતદાર પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો અને મૃતક યુવકોના પરિવારજનો પણ અહીં દોડી ગયા હતા. ત્રણેય મિત્રો સ્કૂટર લઈને વડોદરાથી હાલોલ આવી પહોંચ્યા હતા. તળાવના કાંઠેથી એક્સેસ સ્કૂટર પણ મળી આવ્યું છે. નોંધનીય છે કે બે વર્ષ પહેલા પણ આ તળાવ ખાતે આવી દુર્ઘટના સર્જાઈ હતી. એ સમયે આ તળાવમાં ડૂબી જવાથી ત્રણ યુવકોના મોત થયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts