
મોરબી,તા.૧૩
મોરબીના લીલાપર રોડ પર વાડી વિસ્તારમાં જુની અદાવતમાં લોહીયાળ ખુનીખેલ ખેલાતા ત્રણ મુસ્લિમ યુવાનોના મોતથી શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના લીલાપર રોડ પર આવેલ બોરીયાપાટી વાડી વિસ્તારમાં મોડીરાત્રીના સાડા અગીયાર કલાકની આસપાસ બે જુથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમા આ જુથ અથડામણ દરમ્યાન ત્રણ મુસ્લિમ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજતા બનાવ ત્રિપલ મર્ડરમાં પરિણમ્યો હતો. જેમા આ લોહીયાળ જંગમાં દિલાવરખાન હુશેનખાન પઠાન, મોમીનખાન દિલાવરખાન પઠાન અને અફઝલખાન ઈકબાલખાન પઠાનના મોત થતા પંથકમાં ચકચાર મચી ગયો છે. આ બનાવની જાણ થતાની સાથે જ ડીવાયએસપી બન્નો જોશી, એલસીબી પીએસઆઇ આર.ટી.વ્યાસ, તાલુકા પીએસઆઇ એસ.એ.ગોહીલ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્રણે મૃતદેહોને સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમા સામેના જુથને પણ મારામારીમાં ઇજા થઇ હોય ખાનગી હોસ્પિટલમાં સારવારમાંં ખસેડવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. ઘટનાના પગલે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકઠા થયા હતા અને મુસ્લિમ સમાજના આગેવાનો દોડી ગયા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ હેતુથી સિવિલ હોસ્પિટલ ખાતે અને ખાનગી હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેમા આ બનાવમાં તટસ્થ કારણ અને બનાવમાં ભોગ બનનારના પરિવારજનો દ્વારા જણાવ્યા બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવુ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.