(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૧
મહારાજા સયાજીરાવ યુનિ.માં કામ કરતા ૩૦૦ જેટલા હંગામી શિક્ષકોને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ચૂકવવામાં નહિં આવતાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. આ અંગે યુનિ.ના સેનેટ સભ્ય કપીલ જોષી દ્વારા લેબર કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. મ. સ. યુનિવર્સિટીનાં સેનેટ સભ્ય કપીલ જોષીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં કામ કરતાં ૩૦૦ જેટલા ટેમ્પરરી લેકચર્રસ હંગામી શિક્ષકોને છેલ્લા મે, જૂન તથા જુલાઈ માસનો પગાર ચૂકવવામાં આવ્યો નથી. આ અંગે રજિસ્ટ્રાર તેમજ વાઈસ ચાન્સેલરને વારંવાર રજૂઆતો છતાં પગાર ચૂકવવામાં નહિં આવતા હંગામી શિક્ષકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. યુનિ.માં વિવિધ કાર્યક્રમોમાં લાખો રૂપિયાનો બગાડ કરતાં સત્તાધિશો આ હંગામી શિક્ષકોનીરજૂઆતને આંખ આડા કાન કરી રહી છે. સેનેટ સભ્ય કપીલ જોષીએ આ બાબતે નર્મદાભવન સ્થિત લેબર કમિશનર કચેરીએ મુલાકાત લઈ આ અંગે લેબર કમિશનરને આવેદનપત્ર આપી તાત્કાલિક હંગામી શિક્ષકોને ત્રણ મહિનાનો પગાર મળે તે અંગે ઘટતું કરવા રજૂઆત કરી હતી.