માંગરોળ, તા.રપ
સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગાય પગલાં જૂથ પાણી પુરવઠા યોજના ઊભી કરવામાં આવી છે. જેથી પ્રજાજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે. આ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ યોજના થકી ૩ર જેટલા ગામોની પ્રજાને પાણી પૂરું પાડવામાં આવે છે. યોજનાના સંચાલન અને નિભાવ માટે ખાનગી કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં બે કોન્ટ્રાક્ટરનો સમાવેશ થાય છે. એક કોન્ટ્રાક્ટર પાઈપલાઈનની જાળવણી તથા વાલની કામગીરી કરે જ્યારે બીજો કોન્ટ્રાક્ટ મશીનરીનો આપવામાં આવ્યો છે જેણે ઈલેક્ટ્રીક મોટરો સહિતની મશીનરીની દેખરેખ રાખવાની હોય છે પરંતુ છેલ્લા ચાર દિવસણી આ યોજના થકી અપાતું પાણી બંધ થયું છે. આમ ભર ચોમાસે પાણીનો કકળાટ પ્રજાજનોમાં ઊભો થવા પામ્યો છે. આ પ્રશ્ને બૌધાન ગામના પંચાયત સદસ્ય દીપક બી.રોહિત તથા માજી ઉપસરપંચ મોહમ્મદ હનીફ ધરિયા દ્વારા સંબંધિત વિભાગોને ફરિયાદ કરાઈ છે છતાં પાણીનો પ્રશ્ન હલ થયો નથી.
આ પ્રશ્ને લાઈનનો કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સીના કર્મચારીને પૂછતા તેણે જણાવ્યું કે કેટલાક સ્થળે લાઈનો લિકેજ થઈ હતી તે કામગીરી અમે પૂર્ણ કરી દીધી છે. પરંતુ મશીનરી વિભાગનો પ્રશ્ન હલ થયો ન હોય પાણી આપવાનું શરૂ કરાયું નથી. ત્યારબાદ મશીનરી વિભાગનો કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સીના કર્મચારીને પૂછતાં જવાબ મળ્યો કે હાઈટેક ઉપર કુલ ત્રણ હેવી ઈલેક્ટ્રીક મોટરો મૂકવામાં આવી છે. જેમાંથી એકી સાથે બે મોટરો બગડી જતાં પાણી આપવાનું બંધ કરાયું છે. ત્રણમાંથી બે મોટરો ચલાવવાની હોય છે અને એક મોટર સ્ટેન્ડ બાય રાખવાની હોય છે. પરંતુ એકી સાથે બે મોટરો બગડી જતાં આ બંને મોટરો રીપેરિંગ માટે અમદાવાદ રવાના કરવામાં આવી છે. આ મોટરો ક્યારે રિપેર થઈને આવશે એવો પ્રશ્ન પૂછતાં જવાબ મળ્યો કે આ માટે હું તપાસ કરીને તમને જણાવીશ. આમ કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે પ્રજાજનોને પાણી મળી રહ્યું નથી.