સંજેલી,તા.ર૪
સંજેલી તાલુકાના વાંસિયા પંચાયતમાં સાત ગામો આવેલા છે. ચાકીસણા ગામના ૩ર જેટલા કામદારોએ મનરેગા યોજના હેઠળ ઢાલસીમલ તળાવ તેમજ ચાકીસણા ગામમાં કૂવો ખોદવાનું કામ એપ્રિલ-મે મહિનામાં કર્યું હતું જે સંજેલી તાલુકા મનરેગા યોજના હેઠળ કામ શરૂ કરવામાં આવ્યું જેમાં ૩ર જેટલા કામદારોએ સાત અઠવાડિયા સુધી કામ કર્યું હતું જે બાદ મનરેગા યોજના દ્વારા નાણાં ન ચૂકવાતા કામદારોને ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા ૧૦૦ દિવસની રોજગારી મળી રહે તેવા હેતુથી મનરેગા યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં બે રોજગારોને પોતાના ગામમાં કામ કરી બહાર ગામ જવું ના પડે. તે માટે ગુજરાત ચલાવી શકે તેવું વેતન આપવામાં આવે છે. સંજેલી તાલુકાના ચાકીસણા ગામના ૩ર જેટલા કામદારોએ સાત અઠવાડિયા આ યોજના હેઠળ કામ કર્યું હતું કામ કર્યાને ચાર માસ થવા છતાં સાત અઠવાડિયાના કામના પગારથી વંચિત રહેતા ભારે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. કામદારો પગાર માટે વારંવાર તાલુકા કક્ષાએ જઈ રજૂઆત કરે છે. ત્યારે જવાબદાર અધિકારી દ્વારા એક જ ઉડાઉ જવાબ આપવામાં આવે છે કે તમારા નાણાં તમારા ખાતામાં નાખી દેવામાં આવ્યા છે તેમ કહી કાઢી મુકવામાં આવે છે. બેન્ક ખાતામાં તપાસ કરતા ખાતામાં કોઈ પણ રકમ જમા થયેલ નથી.
છેલ્લા ચાર માસથી તાલુકાના અધિકારી કામદારોને સાત અઠવાડિયાના પગાર ચુકવવા માટે બાય-બાય ચાપણી કરાવી મહેનતના નાણાં ચુકવવામાં આવતા નથી તેમજ યોગ્ય જવાબ પણ આપવામાં આવતો નથી ત્યારે આવા શ્રમિકોને પોતાના કામના મજૂરીના નાણાં ચુકવવામાં આવે તે જરૂરી છે. આ અંગે એક શ્રમિક ભુરાભાઈ બારિયાએ જણાવ્યું હતું કે સંજેલી તાલુકા મથકે આવેલી મનરેગા યોજનાની ઓફિસમાં સાત અઠવાડિયાના કામના નાણાં લેવા માટે જઈએ છીએ. ત્યારે ઉડાઉ જવાબ આપી તમારા નાણાં તમારા બેન્ક ખાતામાં જમા કરી દેવામાં આવ્યા છે ત્યારે બેન્કમાં તપાસ કરવામાં આવે તો ખાતામાં કોઈ રકમ જમા બતાવતી નથી. જયારે રમેશભાઈ બારિયાએ ચીમકી આપી છે કે અમારા કામોના નાણાં ચુકવવામાં નહી આવે તો ટૂંક સમયમાં તાલુકા મથકે જઈ હડતાળ કરવાનો વારો આવશે.