મુંબઇ-ગોવા હાઇવે પર ૫૦૦ ફૂટ ઊંડી ખાઇમાં બસ ખાબકતાં ૩૩ પ્રવાસીનાં મોત

(એજન્સી) રાયગઢ, તા. ૨૮
મહારાષ્ટ્રના પ્રખ્યાત પર્યટન સ્થળ મહાબલેશ્વરમાં મુંબઇ-ગોવા રોડ પર એક બસ ભયાનક અકસ્માતનો શિકાર બની છે. વીકેન્ડ પર પિકનિક મનાવવા જઇ રહેલા ૩૫ લોકોથી ભરેલ બસ અહીંના પહાડી રસ્તામાં ૫૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં હૃદય કંપાવનારી આ ઘટનામાં ૩૩ લોકોનાં મોત થયા છે જ્યારે એક વ્યક્તિ જીવીત મળ્યો છે. રાયગઢ જિલ્લાના કલેક્ટર વિજય સૂર્યવંશીએ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે પોલડપુરમાં બસ ખીણમાં પડતા તેમાં સવાર ૩૪માંથી ૩૩ લોકોના મોત થયા છે. અકસ્માતમાં ભોગ બનેલ તમામ વ્યક્તિઓ એક કૃષિ યુનિવર્સિટીમાં કામ કરતાં હતા. સવારે ૧૦ વાગ્યે અંબેનલી ઘાટ પર એક પહાડી વિસ્તાર પર બસ ખીણમાં પડી ગઇ. મહારાષ્ટ્ર સરકારે દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનો માટે ૪-૪ લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સરકારે ઇજાગ્રસ્તોની સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાની પણ જાહેરાત કરી હતી.
મળતી માહિતી પ્રમાણે એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી ગઇ છે ને બચાવ-રાહત કામ શરૂ કરી દીધું છે. અહેવાલો અનુસાર ધુમ્મસ અને વાદળોના લીધે આ અકસ્માત સર્જાયો છે. સવારે સડા છ કલાકે કોલેજના ૪૦ કર્મચારીઓનું એક ગ્રુપ બસથી પિકનિક ઉજવવા માટે જઇ રહ્યાં હતાં. આ બસમાં સવાર એક કર્મચારી ઘણી મુશ્કેલીથી ખીણમાંથી બહાર રસ્તા પર આવ્યો હતો. તેમણે વિશ્વવિદ્યાલય તંત્રને સૂચના આપી હતી. જોકે ઘટનાસ્થળે મોબાઇલ નેટવર્ક ન હોવાના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. દરમિયાન વડાપ્રધાન મોદીએ આ દુર્ઘટના અંગે દુઃખ કર્યું હતું અને પીએમઓના ટિ્‌વટર હેન્ડલ પર લખવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્રના રાયગઢમાં થયેલી બસ દુર્ઘટનામાં લોકોના મોતથી હું ઘણો દુઃખી થયો છું. જીવ ગુમાવનારાઓના પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે.’
બીજીબાજુ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘટના પર શોક વ્યકત કર્યો છે. સીએમે ટ્‌વીટ કરી કહ્યું છે કે તેમણે મહાબલેશ્વર બસ અકસ્માતમાં લોકોના મોત અંગે જાણી દુઃખ થયું. તેમણે મૃતકોના પરિવારજનો અંગે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલ વ્યક્તિ ઝડપથી સાજો થાય તેની પ્રાર્થના કરી. તેમણે માહિતી આપી કે પ્રશાસન જરૂરી સહાયતા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે વરિષ્ઠ અધિકારી અને મેનેજમેન્ટ સિસ્ટમ પોતાનું કામ કરી રહી છે.
આની પહેલાં ગુરૂવારના રોજ કોલ્હાપુરમાં ૧૭ લોકો ભરેલી મિની બસ નદીમાં પડી ગઇ હતી. પશ્ચિમી મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શિવાજી પુલ પર થયેલા આ અકસ્માતમાં ૧૩ લોકોના મોત થયા હતા, જ્યારે બાકીના લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઘાયલ આ લોકોને કોલ્હાપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મિની બસમાં સવાર આ તમામ યાત્રી ભગવાન ગણેશની પૂજા કરી પાછા ફરી રહ્યા હતા, ત્યારે બસના ડ્રાઇવરે પોતાના કાબૂ ગુમાવતા અને બસ પંચગંગા નદીમાં જઇને પડી. કહેવાય છે કે ડ્રાઇવર નશામાં હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks