જૂનાગઢ, તા.૧૩
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં અને જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ચોરીના મસમોટા કૌભાંડો ચાલી રહ્યા છે. આ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ આજદિન સુધી સમ ખાવા પુરતાં પણ દરોડાની કાર્યવાહી થતી નથી. એનો મતલબ એ થાય છે કે ખાણખનીજ તંત્રની મીઠી નજર હેઠળ રેત માફિયાઓ ગેરકાયદેસર રેતીનું ખનન કરે છે અને ખુલ્લેઆમ બિંદાસ થઈને ફરતા હોય છે. જો કોઈ વિરોધ કરે તો તેની સામે દાદાગીરી, દખલગીરી પણ કરવામાં આવે છે. તાજેતરમાં ઓઝત નદીમાંથી ગેરકાયદેસર રેતીના ખનનના વિરોધમાં વંથલી બંધ રાખવામાં આવ્યું હતું અને આ બંધ દરમ્યાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં પણ ખેડૂત અગ્રણીનું અપહરણ અને તેને માર મારવાની ઘટના બની હતી. જો કે ભારે ઉહાપોહ મચી ગયા બાદ પોલીસે થોડી ઘણી કામગીરી કરી અને આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે જો કે આ બનાવમાં અનેક સત્યો અને ચોંકાવનારી વિગતો પણ પ્રકાશમાં આવી છે. આ દરમ્યાન જૂનાગઢ તાલુકાનાં તલીયાધર ગામે ઉબણ નદીમાં થતું ગેરકાયદેસર ખનનનાં સ્થળ ઉપર તંત્રએ સામૂહિક દરોડો પાડી અને ૩૬ ટ્રેકટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. પણ આ એક માત્ર દરોડાથી ગેરકાયદેસર રેતી ચોરીનુંં કૌભાંડ અટકી નહીં જાય તેના માટે સતત ચાંપતી નજર રાખવી પડશે તેમજ જ્યાં કોઈ અધિકારી કે તંત્રની મીલીભગત હોય ત્યાં કડક કાર્યવાહી કરવાની પણ માંગણી ઉઠી છે. એટલું જ નહીં ફ્લાઈંગ સ્કવોડની રચના કરી અને ક્યાંય પણ રેતી ચોરી થતી હોય તો તેને અટકાવવા માટે ખાસ અનામત દળ અને બાતમીદારો, ખબરીલાલની નિમણૂક કરવા માંગણી પણ ઉઠવા પામી છે.