વડોદરા અને પાદરા તાલુકામાં અકસ્માતના બનાવોમાં ત્રણનાં મોત

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૫
વડોદરા શહેર નજીક અંકોડીયા ગામે રહેતા એક યુવાનને ગતતરાત્રે રેસકોર્ષ સર્કલ પાસે બુલેટનો અકસ્માત નડતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે પાદરા તાલુકાના માર્ગ અકસ્માતનાં બે બનાવમાં બે વ્યકિતઓનાં મોત નિપજતા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં કુલ ૩ વ્યકિતઓનાં મોત નિપજ્યાં હતા.
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેર નજીકનાં અંકોડીયા ગામે ઇન્દિરા નગરમાં રહેતાં જયેશ અરવિંદભાઇ તડવીએ નવી બાઇક ખરીદી હતી. ગત રાત્રે અરવિંદભાઇ પોતાની બાઇક લઇ મિત્રની બર્થ-ડે પાર્ટીમાં જવા નિકળ્યા હતા. રેસકોર્ષ સર્કલ પાસે પુરઝડપે જતી બુલેટે અરવિંદભાઇની બાઇકને જોરદાર ટક્કર મારતા તેઓને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ઇજાગ્રસ્ત અરવિંદભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.
જ્યારે અન્ય બનાવોમાં પાદરા તાલુકાનાં મુંજપુર ગામે રહેતા રણજીતસિંહ પરમારનો પુત્ર રાજેન્દ્ર સાઇકલ પર શાકભાજી લેવા નિકળ્યો હતો. ત્યારે મુંજપુર કેનાલ ચોકડી પાસે પુરઝડપે જતાં બાઇક સવારને સાઇકલ સવાર રાજેન્દ્રને અડફેટમાં લેતા તેને ગંભીર ઇજાઓ થવા પામી હતી. રાજેન્દ્રને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
બીજા બનાવમાં પાદરા ઝંડાબજારમાં રહેતાં દિનેશભાઇ વાળંદનો પુત્ર નૈનેશ એકટીવા લઇ નોકરી પર જતો હતો. દરમ્યાન પુરઝડપે પસાર થઇ રહેલાં ટેમ્પોએ નૈનેશની એકટીવાને જોરદાર ટક્કર મારતા ગંભીર રીતે ઇજાઓ પામેલ નૈનેશ વાળંદને સ્થળ પર કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પાદરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts