અમદાવાદ, તા.ર૭
શંકરસિંહ વાઘેલા દ્વારા રચાયેલ ‘જન વિકલ્પ’ ગુજરાતમાં કોંગ્રેસ હરાવવા માટે જ રચાયો છે તેવી ચર્ચાઓ થઈ રહી છે જ્યારે કોંગ્રેસીઓ પોતે પણ તેને ભાજપની બી ટીમ ગણાવી રહ્યા છે ત્યારે જન વિકલ્પ મોરચાના શંકરસિંહ વાઘેલાએ રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં ‘જન વિકલ્પ’ હોય કે ન હોય કોંગ્રેસ સતત હારતું આવ્યું છે અને હારતું જ રહેશે. તેવું જણાવતા તેમની વાત પરથી પોતાની હારનો ડર અને કોંગ્રેસને હરાવવા જ પોતે મેદાને પડ્યા હોય એ બંને વાતો ફલિત થતી હોય તેવું જણાઈ આવ્યું હતું. આગામી વિધાનસભાની ચૂંટણી માટે દરેક પલાળે પોતાનો પ્રચાર શરૂ કર્યો છે ત્યારે પહેલાં ભાજપ પછી કોંગ્રેસ પછી ‘જન વિકલ્પ’નો મોરચો માંડનાર શંકરસિંહ વાઘેલા રાજકોટ પહોંચ્યા હતા જ્યાં તેમણે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી. વાઘેલાએ જણાવ્યું હતું કે કેટલાક લોકો કહે છે કે બાપુનો જન વિકલ્પ પક્ષ કોંગ્રેસને નુકસાન પહોંચાડવા માટે રચાયો છે. પરંતુ ખરેખર કોંગ્રેસને નુકસાન પહોંચાડવાની કોઈ જરૂર નથી. ત્રીજો પક્ષ હોય કે ન હોય કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં હારતું આવ્યું છે અને હારતું જ રહેશે. શંકરસિંહે વધુમાં જણાવ્યું હતું કે લોકોમાં ભાજપ પ્રત્યે પણ રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે લોકો માટે હવે જન વિકલ્પ એ જ યોગ્ય વિકલ્પ છે અમે રાજ્યની તમામ ૧૮ર બેઠકો પર આમારા ઉમેદવાર ઊભા રાખીશું અને લોકોના પ્રશ્નોનો નિકાલ કરવો એ જ અમારા પક્ષનું મુખ્ય લક્ષ્યાંક છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ટાંણે પણ વાઘેલાએ અહમદ પટેલની ચોક્કસ હાર થશે તેવું જણાવ્યું હતું જ્યારે અત્યારે પણ બાપુ કોંગ્રેસની હાર થશે તેવું જણાવી રહ્યા છે. આમ કોંગ્રેસને હવે ‘જન વિકલ્પનો ડર નથી કેમ કે બાપુનો વાણી વિલાસ ખોટો પડે છે તે કોંગ્રેસ સારી રીતે જાણે છે.