ભાવનગર, તા.ર૭
ભાવનગર શહેરના ઘોઘા ગેઈટ ચોક વિસ્તારમાં આવેલા બિઝનેસ સેન્ટરના પાર્કિંગના દરવાજા બંધ કરી દુકાનો ચણાઈ હતી. ગેરકાયદેસર ચાર જેટલી દુકાનો આજે ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા તોડી પાડવામાં આવી હતી. માર્જિનમાં બનેલી અન્ય દુકાનો પણ મહાપાલિકાએ હથોડા ઝીંકી તોડી પાડતા પાર્કિંગમાં આવેલા ગોડાઉનોમાં રાખેલા ગેરકાયદેસર દબાણો આજે સોમવારે વહેલી સવારે તંત્ર દ્વારા દૂર કરાયા હતા. મસમોટો પોલીસ કાફલો અને દબાણ હટાવ સેલના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા દબાણો દૂર કરાયા હતા. એક તબક્કે બિઝનેસ સેન્ટર એસો.ના હોદ્દેદારો અને મહાપાલિકાના અધિકારીઓ આમને સામને આવી ગયા હતા. લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બિઝનેસ સેન્ટરની દુકાનોના સટર બંધ કરી વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ ટસના મસ થયા ન હતા અને પાર્કિંગના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોરમાં ખડકી દેવામાં આવેલા અને પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત એમ.જી. રોડ ઉપર પણ કેટલાક ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. મહાનગરપાલિકાના અધિકારી રાઠોડે જણાવ્યું હતું કે એમજી રોડ ઉપર નિયમભંગ કરી થયેલા બાંધકામો અને દબાણો હટાવવા કમિશનરની સૂચના છે અને તે મુજબ કાર્યવાહી થઈ રહી છે. આ ઉપરાંત બિઝનેસ સેન્ટરના વેપારીઓએ પોતે સાચા છે તેમ જણાવી લડી લેવા તૈયાર હોવાનું કહે છે તો મહાનગરપાલિકા નિયમસર ધોરણસરની કાર્યવાહી કરશે જ તેમ જણાવ્યું હતું. આજે બપોર સુધી ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ હતી.