(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૪
શહેરના ગોત્રી રોડ પર મંદિરે દર્શન કરી પરત ફરી રહેલ મહિલાના રૂા.૧.પ૦ લાખની કિંમતના ૧૦ તોલા વજનના સોનાના દાગીના ઉતરાવડાવી ચાર અજાણ્યા ગઠિયાઓ પલાયન થઈ ગયા હોવાની ફરિયાદ આજે ગોરવા પોલીસ મથકે નોંધાવા પામી હતી. પ્રાપ્ત થતી વિગત અનુસાર ગોત્રી રોડ પર ટીબી હોસ્પિટલ પાછળ આવેલ પુષ્પક રાજ સોસાયટીમાં રહેતા પુષ્પાબેન મહેશચંદ્ર ઓઝા આજે સવારના સમયે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા ગયા હતા. તેઓ દર્શન કરી ઘર તરફ પાછા ફરી રહ્યા હતા તે વખતે સવારે ૧૦ વાગે તેમની સોસાયટી પાસે ચાર અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા. ચારે જણાએ પોતે પોલીસવાળા છે તમે પહેરેલ સોનાના દાગીના ઉતારી પર્સમાં મૂકી દો તેમ કહી વાતચીતમાં મહિલાનો વિશ્વાસ સંપાદન કર્યું હતું તે દરમિયાન ચારે જણાએ મહિલાને વાતોમાં પરોવી તેમની બંગડીઓ તથા સોનાની માળા મળી રૂા.૧.પ૦ લાખની કિંમતના સોનાના દાગીના ઉતરાવડાવી તેમની નજર ચૂકવી દાગીના લઈ રફૂચક્કર થઈ ગયા હતા. ઘરે જઈ પર્સમાં જોતા દાગીના નહીં મળતા મહિલાએ બનાવ અંગે ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.