(એજન્સી) ફ્લોરિડા,તા.૨૭
અમેરિકાના ફલોરિડા શહેરમાં જેક્સનવિલ એન્ટરટેઇનમેન્ટ કોમ્પલેક્સમાં થયેલા ગોળીબારમાં ૪ લોકોના મોત અને ૧૧ લોકો ઘાયલ થયા છે. આ ઘટના ઓનલાઇન વીડિયો ગેમ ટૂર્નામેન્ટ દરિમયાન બની હતી. સૂત્રોનાં જણાવ્યા મુજબ હુમલાખોર ગેમમાં હારી ગયો હતો જેને કારણે ગુસ્સે થઇને તેણે ગોળીબાર કર્યો હતો. જોકે પોલીસે આ વાતની પુષ્ટિ કરી નથી. પોલીસે જણાવ્યું કે, હુમલાખોર વ્યકિતનું નામ ડેવિડ કેટ્ઝ હતું. ઘટનાસ્થળ પર તેનો મૃતદેહ મળી આવ્યો છે. ડેવિડ બાલ્ટીમોરનો રહેવાસી હતો. શેરિફ માઉક વિલિયમ્સનએ મીડિયાને જણાવ્યું કે, ઘટનાસ્થળ પર ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા જેમાંથી એક હુમલોખોર વ્યકિતનું મૃતદેહ હતું. જેણે ફાયરિંગ કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળ પરથી એક બંદૂક મળી આવી છે. જેક્સનવિલ કોમલેક્સમાં એકથી વધુ ગેમ્સ બાર, ૨૦ રેસ્ટોરેન્ટ અને ૭૦ સ્ટોર છે. ઘટના ત્યારે બની જ્યારે એક મેડન ૧૯ ટૂર્નામેન્ટ માટે કવોલિફાયિંગ રાઉન્ડ ચાલી રહ્યું હતું. ગેમિંગ ટૂર્નામેન્ટ આયોજન કરનારી કંપનીએ જણાવ્યું કે, આ બાબતે તે પોલીસની સાથે મળીને કાર્ય કરી રહી છે. કંપની સાથે સમગ્ર વિશ્વનાં ૨૫ કરોડથી પણ વધારે ખેલાડીઓ જોડાયેલા છે. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળ પર ભયને કારણે અત્યારે પણ કેટલાક લોકો ત્યાં જ છૂપાયેલા છે. જોકે, સ્વોટ ટીમ ઘટનાસ્થળ પર તપાસ કરી રહી છે.