તળાવમાં ડૂબતી બે દીકરીઓને બચાવવા માતા કૂદી તેને બચાવવા જેઠાણી : ચારેયનાં મોત

સુરેન્દ્રનગર, તા.રર
મૂળી તાલુકાનાં ગઢાદમાં કપડા ધોવા ગયેલી માતા, બે પુત્રી સહિત ચાર વ્યકિતનાં પાણીમાં ડુબી જવાથી મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે. તરવૈયા દ્વારા ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયા હતા. જેને પીએમ માટે હોસ્પિટલમાં મોકલાયા હતા.
મૂળીના ગઢાદમાં રહેતા અને ખેતી કરતા મુકેશભાઇ ગળધરીયાનાં ૩૪ વર્ષીય પત્ની કંચનબેન તેમની બે દિકરીઓ ૧૪ વર્ષની રેણુકા અને ૧૨ વર્ષીય જયશ્રી તેમજ કૌટુંબીક જેઠાણી ગીતાબેન કાળુભાઇ ગળધરિયા સાથે શુક્રવારે સાંજનાં સમયે ટીડાણા રોડ પર આવેલ નદીએ કપડા ધોવા માટે ગયા હતા. તે સમયે પ્રથમ રેણુકા અને જયશ્રીપાણીમા પડતા તે ડૂબવા લાગી હતી. આથી માતા કંચનબેને દિકરીઓને બચાવવા નદીનાપાણીમાં ઝંપલાવ્યું હતું. જોત જોતામાં માતા અને બંને પુત્રીઓ ડૂબવા લાગતા ગીતાબેન પણ તેમને બચાવવા જતા નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આમ ચારેયનાં અકાળે મોત થયા હતા. આ બનાવમાં કંચનબેન અને ગીતાબેનના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે બે દિકરીઓના મૃતદેહ તરવૈયા દ્વારા ભારે જહેમત બાદ બહાર કઢાયા હતા. મૃતકોની લાશને પીએમ માટે મૂળી હોસ્પિટલ લઇ જવાઇ હતી. કરૂણાંતિકાન પગલે નાના એવા ગામમાં ભારે માતમની લાગણી સાથે અરેરાટી પ્રસરી જવા પામી છે. એક સાથે ચાર-ચાર મૃતદેહ જોઈ ગ્રામજનોની આંખો ભીની થઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks