(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૩
શહેરના ફલાય ઓવરબ્રિજ નીચે એક યુવાનની કરપીણ હત્યા થઇ હતી. આ હત્યા અને લૂંટ પ્રકરણમાં ડિંડોલી પોલીસે ચાર શંકાસ્પદોની અટકાયત કરી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે મોડી રાત્રે ૧૨ઃ૩૦ થી ૧ વાગ્યાના સુમારે ડીંડોલી-ફલાય ઓવર બ્રિજ નીચે બીપિન બ્રિજમાન ઉપાધ્યાય ઉ.વ. ૨૮ની હત્યા થઈ હતી. બીપિન પાસેથી ૧૦૦૦ રૂપિયા લૂંટી લઈ તેની ઉપર ચાકુથી ઉપરાછપરી ઘા મારી અજાણ્યા લૂંટારૂઓ નાસી છૂટયા હતા. આ બનાવ અંગે બીપિનના બનેવી દ્વારા ડીંડોલી પોલીસ મથકે હત્યા-લૂંટનો ગુનો નોંધતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળની આજુબાજુની દુકાનોના સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસને આરોપીઓ અંગેના પુરાવા મળ્યા છે પોલીસે ચાર જેટલા શંકાસ્પદોની અટકાયત કરીને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. હજી સુધી આરોપીઓ અંગે કોઇ ચોક્કસ માહિતી મળી નથી. બનાવની વધુ તપાસ ડિંડોલી પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે.