વડોદરામાં કોંગ્રેસના ધારાસભ્ય સહિત ૪૦થી વધુની અટકાયત

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૫
ખેડૂતોની દેવા માફી, અનામત સહિતના મુદ્દે પાટીદાર આંદોલનનાં નેતા હાર્દિક પટેલે આરંભેલા અમારણાંત ઉપવાસના સમર્થનમાં આજે વડોદરા શહેરમાં પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોઇ મંજુરી વિના ઉપવાસ શરૂ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કોંગ્રેસના ધારાસભ્ય, શહેર પ્રમુખ તેમજ પાલિકાના વિરોધપક્ષના નેતા સહિત ૪૦ જેટલા આગેવાનો તેમજ પાસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. સમગ્ર કાર્યવાહી દરમ્યાન ભારે હોબાળો મચી ગયો હતો.
વડોદરા શહેરમાં પણ આજે સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી નાગરવાડા સ્થિત પટેલ વાડી ખાતે હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું હતું. જય સરદાર, જય પાટીદાર, જય જવાન, જય કિશાનનાં નારા સાથે પાટીદાર અનામત આંદોલન સમિતી દ્વારા પ્રતિક ઉપવાસનું આયોજન થયું હોવાનું જણાતા પોલીસ દોડતી થઇ હતી.
ઉપવાસના સ્થળે કરજણનાં ધારાસભ્ય અક્ષય પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ , પાલિકા વિરોધપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થુ), કોંગ્રેસના કોર્પોરેટર અતુલ પટેલ, જાગૃતિબેન રાણા, કાર્યકર્તાઓ નિલેશ (જગો) બ્રહ્મભટ્ટ જોડાયા હતા. આ ઉપરાંત પાસ ના આગેવાનોમાં મધ્ય ગુજરાત પાસ કન્વીનર ઉદય પટેલ, સંજય પટેલ, હરિશ પટેલ, લલિત પટેલ તેમજ સરદાર અને મુસ્લીમ સમાજના આગેવાનો પણ અહીં ઉમટી પડ્યા હતા.
ઉપવાસ આંદોલન શરૂ થતા કારેલીબાગ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી જઇ કોંગ્રેસ અને પાસ ના કાર્યકર્તાઓ મળી ૪૦ થી વધુ વ્યકિતઓની અટકાયત કરી હતી. જેથી એક તબક્કે માહોલ ગરમાયો હતો અને પોલીસ સાથે કાર્યકર્તાઓનું ઘર્ષણ થયું હતું. ઉગ્ર રજુઆત વચ્ચે પોલીસે શાંત મને કામ લેતા તમામની અટકાયત કરી પ્રતાપનગર પોલીસ હેડકવાર્ટર લઇ જવાયા હતા. સમગ્ર કાર્યવાહી વેળાએ જય સરદાર, જય પાટીદારના નારાને લીધે માહોલ ગરમાયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts