International

અમેરિકી નેતૃત્વ હેઠળના ગઠબંધને સીરિયામાં મસ્જિદ પર બોમ્બમારો કર્યો, ૪૧ નાગરિકોનાં મોત

(એજન્સી) તા.૨૩
ગુરુવાર અને શુક્રવારે અમેરિકી નેતૃત્વ હેઠળની ગઠબંધનની સેના દ્વારા કરાયેલા બોમ્બમારામાં ૪૧ જેટલા નાગરિકોનાં મોત નીપજ્યાં છે. જોકે તેમાં ૧૦ જેટલા બાળકો પણ સામેલ છે. નોંધનીય છે કે અમેરિકી ગઠબંધન હેઠળની સેનાએ પૂર્વ સીરિયાના અલ સુસાહ શહેરમાં આવેલી મસ્જિદને નિશાને લઈ બોમ્બમારો કર્યો હતો. ધી સીરિયન ઓર્બ્ઝવેટરી ઓફ હ્યુમન રાઈટ્‌સે પુષ્ટિ કરી હતી કે મૃતકાંક હજુ વધી શકે છે. તેણે જણાવ્યું કે મૃતકોમાં ઈરાકી આઈએસના આતંકીઓના સંબંધી હતા. જોકે મૃતકાંક લગભગ ૭૦ને પણ વટાવી શકે છે. કેમ કે મસ્જિદ અલ ઉસ્માન પર કરાયેલા બોમ્બમારાને કારણે આખી મસ્જિદ ધ્વસ્ત થઇ ગઈ હતી અને આ દરમિયાન નમાઝ પઢવા ગયેલા લોકો કાટમાળ નીચે દટાઇ ગયા હતા. જોકે શુક્રવારના દિવસે કરાયેલા હુમલાને કારણે વધારે જાનહાનિ થયાની આશંકા છે. જોકે હુમલાને કારણે મસ્જિદની આજુબાજુના મકાનોને પણ નુકસાન થયું હતું. આ દરમિયાન અમેરિકાએ કહ્યું હતું કે અમારા નેતૃત્વ હેઠળની ગઠબંધનની સેનાએ કરેલા હુમલામાં લગભગ ૨૨ આતંકીઓ માર્યા ગયા હતા. આ મસ્જિદને આઈએસના આતંકીઓ બેઝ તરીકે ઉપયોગમાં લઈ રહ્યા હતા. તેઓ અહીંથી અમેરિકાને પડકારી રહ્યા હતા અને એસડીએફ માટે પડકાર ઊભો કરી રહ્યા હતા. ગઠબંધનના પ્રવક્તા કર્નલ સિયાન રાયને તેમના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે આઇએસના આતંકીઓ આ મસ્જિદનો દુરુપયોગ કરી રહ્યા હતા. આ યુદ્ધના કાયદાનો ભંગ છે અને આ કારણે જ સેનાએ મસ્જિદને નિશાને લીધી હતી. તેમણે કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ કે શું ખરેખર અમારા હુમલાના સમયે શું ત્યાં આતંકીઓ જ હાજર હતા કે નહીં. જોકે મોટાપાયે એવો આરોપ મૂકાઈ રહ્યો છે કે આ હુમલામાં નાગરિકો જ માર્યા ગયા હતા.