સુરત, તા.૪
સુરતમાં ઠગાઇ અને વિશ્વાસઘાતના બનેલા જુદા જુદા બે બનાવોમાં બે કાપડના વેપારીઓ ઠગાયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના રીંગરોડ વિસ્તારમાં આવેલી જશ ટેક્સટાઇલ એન્ડ યાર્ન માર્કેટ સ્થિત લેસર ફાયબર પ્રાઇવેટ લિમિટેડના નામે યાર્નનો વેપાર કરતા વેપારી મુરારીલાલ લાદુરામ શરીફે નોંધાવેલી ફરિયાદ અનુસાર સાયન, દેલાડ પાટિયા વિસ્તારમાં આવેલા પટેલ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ સ્થિત સમર્પણ ટેક્ષટાઇલના નામે ધંધો કરતા વિનય મનુભાઇ બોરડેએ અલગ-અલગ બિલો અને ચલણથી લાખો રુપિયાની ચૂકવણી કરવાની હતી. જે પૈકી બાકીના રૂપિયા ૩૨ લાખથી વધુનું પેમેન્ટ નહીં ચૂકવીને તેની સામે વિશ્વાસઘાત અને ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.
બીજા બનાવમાં શહેરના પર્વત પાટિયા વિસ્તારના રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા સાડીના વેપારી ધર્મેન્દ્ર પ્રભુદયાળ શર્માએ નોંધાવેલી ફરિયાદ અનુસાર જયપુર શહેરના ઝોટાવાડ ખાતે કાપડનો ધંધો કરતા ગણેશલાલ હુમાયત અને દલાલ મનોજ તેમની દુકાને આવ્યા હતા અને ૩૦ દિવસમાં પેમેન્ટ ચૂકવવાની ખાતરી આપીને રૂપિયા ૧૬ લાખથી વધુ કિંમતની સાડીઓ ખરીદી કરી સમયસર પેમેન્ટ નહી ચુકવી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી છે.