પાંચ મહિનાથી બંધ રહેલા રફાહ ક્રોસિંગને ઈજિપ્ત દ્વારા હજયાત્રીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે

(એજન્સી) ઈજિપ્ત, ૧૧
ઈજિપ્તિયન સત્તાધીશોએ ઈજિપ્ત અને ગાઝા સ્ટ્રીપની વચ્ચે આવેલા રફાહ ક્રોસિંગને ૫ મહિના બાદ સોમવારથી ગુરુવાર સુધી પુનઃ ખુલ્લંુ મૂકવાનું નક્કી કર્યુ છે. આ ક્રોસિંગ મારફતે હજ માટે સઉદી અરેબિયા જઈ રહેલા મુસ્લિમ યાત્રીઓના ટોળાઓ પસાર થશે તેમ બુધવારે પેલેસ્ટીની સૂત્રોએ જણાવ્યું હતું.
ગાઝાની સરહદીય સમિતિના પ્રવક્તા હિશમ અડવાને કહ્યું કે, ઈજિપ્તિયન સત્તાધીશોએ આગામી સપ્તાહે ૪ દિવસો માટે આ ક્રોસિંગને ખુલ્લું રાખવાનું નક્કી કર્યુ છે. આ ક્રોસિંગ પસાર થયા બાદ ગાઝાના ૨,૫૦૦ જેટલા પેલેસ્ટીનીઓ હજ માટે સઉદી અરેબિયાની ફ્લાઈટ પકડશે અને મક્કાની હજયાત્રા કરવા માટે જશે. પાંચ મહિનાના લાંબા સમય બાદ ખુલી રહેેલા આ રફાહ ક્રોસિંગને આ વર્ષની શરૂઆતથી સૌથી લાંબા સમય સુધી બંધ રાખવામાં આવ્યું હતું તેમ ઈઝરાયેલી એન.જી.ઓ. ગીશાએ જણાવ્યું હતું. આ ઉપરાંત ૩૦,૦૦૦ જેટલા પેલેસ્ટીનીઓને આ ક્રોસિંગમાંથી પસાર થવા માટેની મંજૂરી મળી ગઈ છે, કે જેમાં વિદ્યાર્થીઓ, યાત્રીઓ અને આ પ્રદેશમાંથી બહાર રહેતા પોતાના સ્નેહીજનોને મળવા ઈચ્છતા લોકો અને ગાઝાની બહાર તબીબી સારવાર અર્થે જવા ઈચ્છતા લોકોનો સમાવેશ થાય છે.
રફાહ ક્રોસિંગ બંધ થવાને પગલે ગાઝામાં પ્રવેશના તેમજ તેમાંથી બહાર નીકળવા પર ઈઝરાયેલી સત્તાધીશો દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેથી આ ક્રોસિંગ ખુલતાં જ ગાઝાના લોકોને અહીંયાથી બહાર જવા માટે આઝાદી પણ મળશે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, વર્ષ ૨૦૧૬માં રફાહ ક્રોસિંગ આંશિક રૂપે ૪૪ દિવસ જ્યારે વર્ષ ૨૦૧૫માં માત્ર ૨૧ દિવસો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks