કચ્છ યુનિ.ના પ્રોફેસરનું મોંઢું કાળું કરનારા પાંચની ધરપકડ

અમદાવાદ, તા.ર૭
કચ્છ યુનિ.માં સેનેટની ચૂંટણીના મામલે એબીવીપીના કાર્યકરો દ્વારા પ્રોફેસરનું મોં કાળું કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ત્યારે પ્રોફેસર સાથે ગેરવર્તણૂક કરનારા એબીવીપીના પાંચ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે. કચ્છ યુનિ.માં બનેલી શાહીકોડની ઘટનાને પગલે શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કચ્છ યુનિ.માં ફરજ બજાવતા પ્રોફેસર ગીરીન બક્ષીનું કાળી શાહીથી મોં કાળું કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે એબીવીપીના કાર્યકર રામ ગઢવી સહિત પાંચ કાર્યકરોની ધરપકડ કરી લીધી છે. જો કે ગઈકાલે યુનિ.ના પ્રોફેસર ગીરીન બક્ષીને ચાલુ કલાસમાંથી બહાર ઢસડીને લઈ જઈ એબીવીપીના કાર્યકરોએ તેમનું મોં કાળું કરીને સરઘસ કાઢયું હતું. ત્યારબાદ આ સરઘસ યુનિ.ના વાઈસ ચાન્સેલરની ઓફિસમાં લઈ ગયા હતા જ્યાં તેમણે રજિસ્ટ્રાર અને વાઈસ ચાન્સેલરને પણ પ્રોફેસર ગીરીન બક્ષી જેવા હાલ કરવાની ચીમકી આપી હતી. આ બનાવના વિરોધમાં આજે પૂર્વ સેનેટ સભ્ય યુથ કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ભૂજ ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા પાસે કોંગ્રેસના આગેવાનો અને શિક્ષણવિદો ધરણાંમાં જોડાયા હતા તેમજ આ ઘટનાને શિક્ષણ જગત માટે શરમજનક ઘટના ગણાવીને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks