National

પાંચ રાજ્યોમાં ૧૨ નવેમ્બરથી ૭ ડિસેમ્બર વચ્ચે મતદાન

(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
રાષ્ટ્રીય ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટેની તારીખોની આજે જાહેરાત કરી હતી. પંચે છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજવાની ઘોષણા કરી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણામાં એક જ તબક્કામાં મતદાન થશે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં ૧૮ બેઠકો પર ૧૨મી નવેમ્બરે મતદાન થશે. ત્યારબાદ બીજા તબક્કામાં ૭૨ બેઠકો માટે ૨૦મી નવેમ્બરે મતદાન થશે. ચૂંટણી પંચે મધ્યપ્રદેશ અને મિઝોરમમાં એક જ તબક્કામાં ૨૮મી નવેમ્બરે મતદાન કરાવવાની જાહેરાત કરી છે. રાજસ્થાન અને તેલંગાણામાં ૭મી ડિેસમ્બરે મતદાન થશે. મતગણતરી ૧૧મી ડિસેમ્બરે થશે અને તે જ દિવસે પાંચેય રાજ્યોના પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીની ઘોષણા સાથે જ પાંચેય રાજ્યોમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં તો પહેલાથી જ ચૂંટણી માહોલ ગરમ છે. રાજકીય દળો મતદાતાઓને લુભાવવા અને જોડ-તોડમાં લાગી ગયા છે. આગામી વર્ષે રાષ્ટ્રીય ચૂંટણીઓ માટેની અગ્નિપરીક્ષા મનાતી પાંચ રાજ્યોની ચૂંટણીઓ ભાજપના ત્રણ જાણીતા મુખ્યમંત્રીઓની લોકપ્રિયાતા પણ નક્કી કરશે જેમાં છત્તીસગઢના મુખ્યમંત્રી રમનસિંહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પક્ષના એકમાત્ર મહિલા મુખ્યમંત્રી વસુંધરા રાજેનો સમાવેશ થાય છે. હવે એ જોવાનું મહત્વનું રહેશે કે, મોટાભાગના રાજ્યોમાં સત્તાધારી ભાજપના મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે કોંગ્રેસ છે જે ૨૦૧૯માં સત્તામાં જાળવી રાખવા ભાજપ માટે આકરા ચડાણ હશે. આ ત્રમ રાજ્યો ચૂંટણી કુલ ૬૫ સભ્યોને સંસદમાં મોકલી શકશે. ૨૦૧૪માં ભાજપે રાજસ્થાનમાં ફક્ત ત્રણ લોકસભા બેઠક ગુમાવી હતી જ્યારે ૨૫ બેઠકો જીતી હતી, છત્તીસગઢમાં ૧૧માંથી ૧૦ બેઠકો જીતી હતી અને મધ્યપ્રદેશમાં ૨૯માંથી ૨૭ બેઠકો જીતી હતી.
પાંચ રાજ્યોમાં છત્તીસગઢમાં સૌથી પહેલા મતદાન શરૂ થશે અને તેમાંથી એકમાત્ર રાજ્ય એવું છે જ્યાં બે તબક્કામાં ૧૨ અને ૨૦ નવેમ્બરના રોજ મતદાન થશે. રાજ્યના દક્ષિણ ભાગના માઓવાદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રથમ તબક્કામાં મતદાન થશે. મધ્યપ્રદેશમાં ૨૩૦ બેઠકો છે જ્યારે પાંચ રાજ્યોમાં સૌથી નાના રાજ્ય મિઝોરમમાં ૪૦ બેઠકો છે જ્યાં ૨૮મી નવેમ્બરે એકસાથે મતદાન યોજાશે. ૨૦૦ સભ્યોની રાજસ્થાન વિધાનસભામાં તેલંગાણા સાથે ૭મી ડિસેમ્બરે મતદાન યોજાશે. છેલ્લા કેટલાક દાયકાથી રણપ્રદેશવાળા રાજસ્થાનમાં એકપણ પાર્ટી સતત બે વખત ચૂંટણી જીતી શકી નથી. આ વર્ષે જ રાજ્યમાં ત્રણ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો જેનો ભય હજુ તેને સતાવી રહ્યો છે. આ ભયના પગલે ભાજપે પોતાના પક્ષપ્રમુખને રાજ્યમાં બદલી નાખ્યા પણ વસુધરા રાજેનો વિકલ્પ ન મળતા મુખ્યમંત્રી બદલી શક્યો ન હતો.
૨૦૧૩થી રમનસિંહ છત્તીસગઢમાં સત્તામાં છે અને તેઓ તમામ ચૂંટણી પાતળી સરસાઇથી જીત્યા છે અને છેલ્લી ચૂંટણીમાં તેઓ એક ટકાથી પણ ઓછા મતોના માર્જિનથી જીત્યા હતા. તેમને વિપક્ષમાં ભાગલા પડતાં આશા જન્મી છે જેમાં બીએસપીના માયાવતી અને જનતા કોંગ્રેસ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીના પક્ષ વચ્ચે ગઠબંધન થયું છે. ભાજપે મધ્યપ્રદેશમાં પણ પક્ષના પ્રમુખને બદલી નાખ્યા છે જ્યાં છેલ્લા ૧૫ વર્ષથી શિવરાજસિંહ ચૌહાણની સરકાર છે. ભાજપને આ વખતે ચૂંટણીમાં સત્તાવિરોધી સૂરનો ભય સતાવી રહ્યો છે. મોટા પક્ષોએ તો પહેલાથી જ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો અને રેલીઓ તથા સભાઓનું આયોજન થઇ રહ્યું છે. બીજી તરફ ચૂંટણી જાહેર થઇ તે પહેલા પણ પીએમ મોદી રાજસ્થાનના બિકાનેરમાં સભા યોજી રહ્યા હતા. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી રાજસ્થાનમાં ૯ અને ૧૦મી ઓક્ટોબરે જાહેરસભાઓને સંબોધશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
National

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી 2

સક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.