ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલ ટોળાનો પાંચ યુવક પર હુમલો : એકનું મોત

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૨૭
શહેરના ડભોઇ રોડ પરના ગણેશનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ટોળાએ મારક હથિયારો વડે ચાર થી પાંચ યુવકો પર હુમલો કર્યો હતો. જેમાં એક યુવકને ખંજરથી શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર વડોદરાના ડભોઇ રોડ ગણેશનગરમાં રહેતા વિપુલ મનીષભાઇ કાયસ્થ તેમજ ગાજરાવાડી વિસ્તારમાં રહેતાં મયુર ઉર્ફે વિકી દિપક કનોજીયા વચ્ચે રવિવારે મોડીરાત્રે ગણેશનગર પાસે ગાળો નહીં બોલવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં બંને જણાનાં મિત્રો પાઇપ, લાકડીઓ અને ખંજર જેવા મારક હથિયારો લઇ સામસામે આવી ગયા હતા. આ બંને યુવાનોનાં ટોળાઓએ એકબીજા ઉપર હુમલો કર્યો હતો. આ બનાવમાં ધીરજ, વિપુલ તેમજ વિશાલ સહિતનાને ઇજાઓ પહોંચી હતી. ધીરજ કનોજીયા નામના યુવકે તેની પાસે રહેલા ખંજરથી ઋત્વીજ ઠાકોર નામના યુવક પર હુમલો કરતા ઋત્વીજ લોહી લુહાણ હાલતમાં ત્યાં ઢળી પડયો હતો. આ ધીંગાણાને પગલે વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. જીવલેણ ઇજા પામેલ ઋત્વીજ સહિત ચાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે કલાકની સારવાર બાદ ઋત્વીજ ઠાકોરનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પાણીગેટ પોલીસે વિપુલ કાસ્યથની ફરિયાદને આધારે ધીરજ કનોજીયા સહિત તેના ૧૦ મિત્રો સામે હત્યા અને રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો. જ્યારે મયુર ઉર્ફે વિંકી કનોજીયાની ફરિયાદ પણ પોલીસે નોંધી મનોજ વસાવા સહિત ૭ જેટલા યુવકો સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો. મૃતક માડવી રોડ પર આવેલી કાપડની દુકાનમાં નોકરી કરતો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts