અમદાવાદ, તા.ર૯
રાજ્યમાં વરસાદી માહોલ તો જામે છે પણ વરસાદ વરસતો નથી જેને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. બીજી તરફ વરસાદ ન થતાં રાજ્યના અનેક જળાશયોમાં જળ સંગ્રહની પ૦ ટકાની નજીક પહોંચ્યું છે. જે ચિંતાજનક બન્યું છે. રાજ્યના કુલ ૨૦૩ જળાશયોમાં હાલ ૨૮૦૬૬૯.૭૪૪ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહ શક્તિના ૫૦.૪૩ ટકા જેટલો થાય છે. સરદાર સરોવર ડેમમાં ૧૭૯૫૦૧.૨૦ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના ૫૩.૭૩ ટકા જેટલો થાય છે. સરદાર સરોવરની ડેમ સપાટી આજે ૧૨૦.૯૧ મીટર પર છે. જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમા ૩૩.૨૦ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમા ૮૦.૩૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમા ૪૯.૩૦ ટકા, કચ્છના ૨૦ જળાશયોમા ૧૨.૬૮ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમાં ૪૪.૫૨ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૦.૭૮ ટકા જેટલો નોધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૨૫.૨૧ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩૯.૭૬ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૪.૦૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૯.૪૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૯૧.૩૩ ટકા સરેરાશ વરસાદ થયો હોવાના અહેવાલો છે.