(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૬
શહેરના મજુરાગેટ વિસ્તારમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં ચાલતી માનવ સેવા સંઘ છાયડાના સંચાલકના મોબાઇલ ફોન ઉપર ઠગે ત્રણ અલગ અલગ નંબરથી ફોન કરી પોતાની ડોક્ટર તરીકેની ઓળખ આપીને સંસ્થામાં ચાર મશીન તથા જનરેટર દાનમાં આપવાનું જણાવી ટ્રાન્સપોર્ટ ખર્ચ પેટે રૂા.૫૫ હજાર આરટીજીએસ દ્વારા મેળવી લીધા બાદ ફોન બંધ કરી દઇ ઠગાઇ આચરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મજુરાગેટ વિસ્તારની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા છાયડા (માનવ સેવા સંઘ)ેના સંચાલક ભરતકુમાર વેજચંદ શાહે ખટોદરા પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે ગત તા.૨૮મી ઓગષ્ટના રોજ તેના મોબાઇલ ફોન ઉપર ફોન આવ્યો હતો, અને તેની ઓળખ ડો. કપીલ તરીકે આપી હોવાનું તથા ઓસ્ટ્રેલિયા ખાતે રહેતો હોવાનું જણાવીને તેની સંસ્થામાં પાંચ સોનાગ્રાફીના મશીન દાનમાં આપવાનું કહીને મશીન તેની સંસ્થામાં મોકલાવવા માટે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ સંસ્થાના સંચાલક ભરતકુમાર શાહ આર. ટી. જી. એસ. દ્વારા તેની બેંકમાં ટ્રાન્સફર કરાવ્યા બાદ આ સાતીર ઠગે તેમની પાસે ૫૦૦ કે.વી.નું જનરેટર પણ છે. જો તમારે જરૂરિયાત હોય તો તમને મોકલાવી આપું તેવું કહેતા છાંયડોના સંચાલક ભરતકુમાર શાહે સંમતી આપતા જનરેટર મોકલાવવા માટે ક્રેઇન મંગાવી પડશે અને તેના રૂપિયા ૩૧ હજાર થશે. છાયડાના સંચાલક ભરતકુમારે ક્રેઇનનું ભાડું પણ બેંક દ્વારા મોકલ્યા બાદ સાતીર ઠગે તેનો ફોન બંધ કરી દીધો હતો. જ્યારે છાંયડાના સંચાલક ભરતકુમાર શાહે તેના મોકલાવેલ સરનામું અંગેના તપાસ કરતા ખોટું હોવાનું બહાર આવતા આખરે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ખટોદરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.