બોટાદ, તા.૩૦
બોટાદમાં ૬ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘૃણાસ્પદ ઘટના બહાર આવી છે. મોડી રાત્રે આ ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બાળાત્કારનો ગુનો નોંધીને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ હાથ ધરી છે. બોટાદમાં ભાંભણ રોડ પર એક બાળકી તેના ઘર પાસે મેદાનમાં રમતી હતી. આ દરમિયાન એક ૨૨-૨૪ વર્ષનો યુવાન ત્યાં આવ્યો હતો અને તેને પતંગ બતાવવાની લાલચ આપી ફોસલાવીને લઈ ગયો હતો. હાઈવે ઉપર એક અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. નાનકડી બાળકી પર અત્યાચાર ગુજારવામાં આવતાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બોટાદ પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા અલગ-અલગ ટીમો કામે લગાડાઈ છે. ઘટના અંગે બોટાદ પોલીસે ૩૭૬, પોક્સો અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.