(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
દિલ્હીના ઉપરાજ્યપાલ અને આપની અરવિંદ કેજરીવાલ સરકાર વચ્ચે ચાલેલા ૯ દિવસના અવરોધ બાદ ખાનગી મીડિયા દ્વારા દિલ્હીમાં ઝડપથી એક સર્વે કરાવવામાં આવ્યો છે, જેમાં દિલ્હીનો મૂડ સમજવાની કોશિશ કરવામાં આવી છે. સર્વે મુજબ, આજની તારીખમાં જો લોકસભા અને વિધાનસભા ચૂંટણી યોજાય તો દિલ્હીના મોટાભાગના લોકોએ લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત આપવાની વાત કહી છે, જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં આપને વધુ મત આપવાની વાત કહી છે. સર્વે મુજબ લોકસભાની ચૂંટણીમાં દિલ્હીના ૪૦ ટકા લોકો પીએમ નરેન્દ્ર મોદીને પુનઃ જોવા ઈચ્છે છે, તેથી તેઓ ભાજપને મત આપશે. જ્યારે રપ ટકા લોકો કેજરીવાલની આપને મત આપશે. ર૪ ટકા લોકોએ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવાની વાત કહી છે. ઉલ્લેખનીય છે કે ર૦૧૪ની ચૂંટણીમાં દિલ્હીની દરેક સાત બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. આ સર્વેમાં દિલ્હીની દરેક ૭૦ વિધાનસભા બેઠકો પર કુલ ૧૧૬૮ લોકોનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. સર્વે મુજબ ૩૯ ટકા લોકોનો અભિપ્રાય છે કે આપની સરકાર સત્તામાં આવશે, જ્યારે ૩૮ ટકાનું માનવું છે કે ભાજપ સત્તામાં આવશે. જ્યારે માત્ર ૧૩ ટકા લોકોનું માનવું છે કે દિલ્હીમાં કોંગ્રેસ સત્તામાં આવશે. સર્વેમાં પૂછાયેલા અન્ય એક પ્રશ્નના જવાબમાં ૩૭ ટકા લોકોનું માનવું છે કે દિલ્હીમાં કેજરીવાલ સરકાર ખૂબ જ સારૂં કામ કરી રહી છે જ્યારે ૩૦ ટકા લોકોનો અભિપ્રાય છે કે કેજરીવાલ સરકાર સારૂં કામ કરી રહી છે. એટલે કે કુલ ૬૭ ટકા લોકોએ કેજરીવાલ સરકારના કામકાજ અંગે ખુશી વ્યક્ત કરી છે.