ઉના, તા.૯
ગીરગઢડા તાલુકાના દ્રોણ, ઇટવાયા, કોદિયા, ફાટસર, ઝુડવડલી, ઉગલા તથા ખીલાવડ વગેરે ગામની પંચાયતો દ્વારા મુખ્યમાર્ગ ઘણા લાંબા વર્ષથી બિસ્માર હાલતમાં હોય આ રોડ ઉપર દોઢથી બે-બે ફૂટના ખાડાઓ પડેલ હોવાથી અને વાહન વ્યવહાર ચલાવવા અતિમુશ્કેલ બની ગયેલ હોય આ રોડને રિપેરિંગ કામ કરવા અગાઉ તા.૧/૮/૨૦૧૭ના રોજ જવાબદાર અધિકારી કાર્ય પાલક ઇજનેર વેરાવળ, નાયબ કાર્યપાલક ઇજનેર ઉના તાલુકા વિકાસ અધિકારી, ગીરગઢડા તથા જિલ્લા વિકાસ અધિકારી વેરાવળ ગીર સોમનાથ તથા બાંધકામ સમિતિ ચેરમેન જિલ્લા પંચાયત ગીર સોમનાથને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ રજૂઆત કરવા છતા પણ આ રસ્તા પર પડી ગયેલા ખાડાઓને નવિનીકરણ તેમજ રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી. જેથી તમામ ગામના સરપંચો તેમજ આગેવાનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન તા.૧૦/૮/૨૦૧૭ના રોજ કરવામાં આવશે. આ બાબતે માનવ ઉત્કર્ષ સેવા સમિતિના પ્રમુખ આણદાણી હસમુખભાઇ પ્રેમજીભાઇ તેમજ તમામ ગામોના સરપંચો અને સભ્યો દ્વારા નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.