ભાવનગર, તા.૨૯
ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓમાં ફરજ બજાવતા સાત શિક્ષકો લાંબા સમયથી સતત ગેરહાજર હોય આવા શિક્ષકોને શિક્ષણ સમિતિએ દિવસ ૧૦મા ખુલાસો કરવા નોટિસ ફટકારી છે. જો યોગ્ય જવાબ નહીં મળે તો આ શિક્ષકોને છુટા કરવા પણ સમિતિએ ચીમકી આપી છે. નોટિસમાં શિક્ષણ સમિતિના જણાવ્યા પ્રમાણે તેઓ શાળાના લાંબા સમયથી બિનઅધિકૃત રીતે ગેરહાજર છે. આચાર્ય, ટીપીઈઓ તેમજ અત્રેની કચેરીએથી વારંવાર મૌખિક-લેખિત જાણ કરવા છતાં આજદિન સુધી ફરજના સ્થળે હાજર થયેલ નથી અને જેના લીધે બાળકોના શિક્ષણ ઉપર ગંભીર અસર પડેલ છે તેથી તમારી બિનઅધિકૃત ગેરહાજરી માટે તમો સંપૂર્ણ રીતે જવાબદાર તમો પોતે ઠરો છો. જેથી તમોને નોકરીમાંથી દૂર કરવાનું વિચારેલ હોય આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિવસ ૧૦મા ખુલાસા સાથે હાજર થવા જણાવવામાં આવેલ છે. આ સાત શિક્ષકોમાં જનકકુમાર જે. બગથરિયા, (મ.શિ., જેસર કન્યા-ર પ્રા.શાળા, તા.જેસર), રમણિકભાઈ એમ. જાની, (મ.શિ., રંડોળા પ્રા.શાળા, તા.પાલિતાણા) પટેલ બાદલભાઈ હર્ષદભાઈ (વિ.સ., ખાખરિયા, પ્રા.શાળા, તા.પાલિતાણા), પરેશભાઈ ગોરધનભાઈ હિરાણી (મ.શિ., પરવડી બ્રાન્ચવાળા, તા.ગારિયાધાર), દિપલબેન એ. સરવૈયા (મ.શિ., દેવળિયા, પ્રા.શાળા, તા.તળાજા), ગૌસ્વામી પ્રતિભાબેન બી. (મ.શિ., થોરાળા, પ્રા.શાળા, તા.મહુવા) તથા રાઠોડ કિનલકુમાર મહેન્દ્રસિંહ (મ.શિ., મોટાખુંટવડા, કે.વ.શાળા, તા.મહુવા)નો સમાવેશ થાય છે.