પાટણ, તા.૧૪
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યુંં છે જેને લઈ પ્રચારથી માંડીને મૂરતિયા પસંદગી કરવા સહિતની કવાયત રાજકીય પક્ષો દ્વારા હાથ ધરાઈ છે પરંતુ આ વખતે જ્ઞાતિવાદ અને જાતિવાદના સમિકરણો ઉભરી આવતા ભાજપ અને કોંગ્રેસ બન્ને હરીફ પક્ષોને ઉમેદવાર પસંદગીમાં રીતસર પરસેવો પડી રહ્યો છે. આવી જ એક બેઠક મહેસાણા જિલ્લાની બહુચરાજી બેઠક ગણાય છે. આ બેઠક ઉપર પાટીદારો તેમજ ક્ષત્રિય-ઠાકોર સમાજના મતો વધુ હોઈ આ બન્ને જ્ઞાતિમાંથી જ ઉમેદવાર પસંદ કરવો પડે છે. ગત ચૂંટણીમાં ભાજપ માંડ-માંડ આ બેઠક ઉપર જીત્યો હતો તે સમયે પાટીદારો તેમની પડખે ઉભા હતા પરંતુ આ વખતે અનામત આંદોલન બાદ સ્થિતિ અને ચિત્ર ઉલટું થઈ ગયું છે. પાટીદારોનો ભાજપથી મોહભંગ થયો હોય તેમ ગઈકાલે બહુચરાજીમાં રાહુલ ગાંધીની હાજરીમાં યોજાયેલા કોંગ્રેસના સંમેલનમાં યુવા નેતા અને ૭ર કડવા પાટીદાર સમાજના પ્રમુખ કિરીટભાઈ પટેલ (દેવગઢ)ની સાથે ર૦૦૦થી વધુ પાટીદારોએ વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. તેમનો દાવો છે કે, આ મતદારો ભાજપની જ વોટબેંક હતા. આથી ભાજપના ગઢમાં ગાબડું પડતાં પક્ષની નેતાગીરી દોડતી થઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બેઠક ઉપર ક્ષત્રિય અને ઠાકોર સમાજના મળીને ૬ર હજાર જેટલા મતદારો છે. તો પાટીદાર સમાજના પ૪ હજારથી વધુ મત છે. પ્રજાપતિ, રાવળ, અનુ.જાતિ સહિતના સમાજના ખાસી માત્રામાં મત છે પરંતુ આ મતદારો પરંપરાગત રીતે કોંગ્રેસ સાથે રહેતા આવ્યા છે. જેને કારણે પાટીદારોનું બહુચરાજી વિસ્તારમાં મજબૂત ગણાતું જૂથ કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસની સ્થિતિ મજબૂત બની હોવાનું રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રો પણ માને છે.
સામે પક્ષે ભાજપમાં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ગૃહમંત્રી સામે પાટીદાર આંદોલન અને તે પછી ઉદ્ભવેલી પરિસ્થિતિમાં સમાજ સાથે નહીં રહ્યાનો ડંખ સમાજના યુવાનોને કોરી રહ્યો છે જેને કારણે તેમનું પત્તું કપાય તેવી સ્થિતિ છે. જો તેમ બને તો આ બેઠક ઉપરથી ક્ષત્રિય-ઠાકોર સમાજના આગેવાનને ભાજપ મેદાનમાં ઉતારી જ્ઞાતિકાર્ડ ખેલી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.