(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
ભારતીય સેનાએ તેની અત્યાર સુધીની સૌથી મોટી ખરીદી યોજનાને મંજૂરી આપી છે. લશ્કરે તેના જુના-પુરાણા થયેલા શસ્ત્ર-સરજાંમને બદલવા માટે ૪૦,૦૦૦ કરોડની ખરીદી યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ મોટાપાયે લાઈટ મશીન ગન, કાર્બાઈન અને રાઈફલોની ખરીદી કરવામા આવશે. સત્તાવાર સૂત્રોએ કહ્યું કે ૭ લાખ રાઈફલ, ૪૪,૦૦૦ એલએમજી, ૪૪,૬૦૦ કાર્બાઈનની ખરીદી માટેનો પ્રસ્તાવને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને હવે સંરક્ષણ મંત્રાલય આ ખરીદીને આગળ વધારી રહ્યું છે. દુનિયાની બીજી સૌથી મોટી સેના પર ઘણા લાંબા સમયથી ખરીદી પ્રસ્તાવોને મંજૂરી આપવાનું દબાણ હતું. ચીન અને પાકિસ્તાન સરહદ વધી રહેલા તનાવને કારણે આ ચિંતા વધી ગઈ હતી. રક્ષા મંત્રાલયે વિદેશમાંથી હથિયારોની ખરીદીની સાથે ડીઆરડીઓને પણ તેના ઉપયોગ માટે લાઈટ મશીન ગન જેવા નાના હથિયારો તૈયાર કરવાનું જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આગામી થોડા દિવસોમાં લાઈટ મશીન ગન માટે રિકવેસ્ટ ફોર ઈન્ફર્મેનશ જારી કરવામાં આવશે. થોડા મહિના પહેલા રક્ષા મંત્રાલયે ૭.૬૨ કેલિબર ગન્સ માટે ફિલ્ડ ટ્રાયલ બાદ એક વેન્ડર બચતાં આ પ્રસ્તાવ રદ કરી નાખ્યો હતો. શરૂઆતમાં ૧૦,૦૦૦ લાઈટ મશીન ગન ખરીદવાનો પ્રસ્તાવ હતો તે ઉપરાંત સેના ૭.૬૨ એમએમ રાઈફલ માટે પણ મંજૂરી આપી છે. રક્ષા મંત્રાલયની ખરીદ સાથે જોડાયેલી સૌથી મોટી સંસ્થા વતી ટૂંક સમયમાં પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવશે. જુનમાં લશ્કરે સરકારી સંસ્થા રાઈફલ ફેક્ટરીમાંથી બનેલી એસોલ્ટ રાઈફલને નામંજૂરી કરી દીધી હતી. આ રાઈફલ ટેસ્ટમાં નિષ્ફળ નીવડી હતી. એસોલ્ટ રાઈફલની ખરીદી વિવિધ કારણોને લીધે અટકી પડી હતી. લશ્કરે ગત વર્ષના સપ્ટેબરમાં આરએફઆઈ રજૂ કર્યું હતું અને લગભગ ૨૦ કંપનીઓએ તેમાં ભાગ લીધો હતો. સંરક્ષણ વિભાગના સીનિયર અધિકારીએ કહ્યું કે લાઈટ મશીન ગન, એસોલ્ટ રાઈફલ અને કાર્બાઈનના કુલ ખર્ચ ૪૦,૦૦૦ કરોડ જેટલો થવા જાય છે. લાઈટ મશીન ગન જેવા નાના હથિયારોની ખરીદી પર ઝડપી કાર્યવાહી કરવા માટે સરકારે ડીઆરડીઓને સંદેશો મોકલ્યો છે.