(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
સુરત શહેરના છેવાડે આવેલા વરિયાવ ગામ બસ સ્ટેન્ડ પાસે જમીનના વિવાદમાં લોહિયાળ ધીંગાણુ સર્જાયુ હતુ. ઘાતક શસ્ત્રો સાથે તૂટી પડેલા આઠ જણાં વિરૂદ્ધ જહાંગીરપુરા પોલીસ મથકે હત્યાની કોશિષ સહિત રાયોટિંગનો ગુનો નોંધાયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વરીયાવ ગામના રેશમડી ફળિયામાં રહેતા દાઉદ અહમદ ઈશાભાઈએ આરોપી શૌકત સલમાન દાવજી, સલમાન મુસા, દાવજી, ઐયુબ ઈબ્રાહિમ ઈશા, યાકુબ મોહંમદ ઈશાભાઈ, ઝુબેર અનવર, સુલેમાન મોહંમદ, સોહેલ સુલેમાન, ઈસ્માઈલ ઈશાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી સહિતના સાહેદો વરિયાવ ગામ રૂકશાના જનરલ સ્ટોર્સ પાસે બેઠાં હતા. ત્યારે આરોપીઓ ઘાતક શસ્ત્રો સાથે ધસી આવી તમે લોકો અમારી જમીન અવેજના નાણા ખાઈ ગયા છો, તમે અમારી નાણાં આપી દો, તેમ જણાવીછ હુમલો કરી તલવારથી ફરિયાદીની આંગળી કાપી નાખી અન્યોને ઈજા પહોંચાડી જમીનના પૈસા નહીં આપશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે સલમાન મુસાભાઈ દાઉજીએ આરોપી મોહમ્મદ ઈસ્માઈલ મણી, અહમદ ઈબ્રાહિમ, મુસા અનવર, ફેસલ મુસા, એજાઝ અહમદ, દાઉદજી અહેમદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વરિયાવ રેવન્યુ સર્વે નં. ૧૨૫ બ્લોક નં. ૧૧૪ વાળી વડીલો પાર્જિત જમીનના કોર્ટ દાવા અંગે તકરાર કરી હોકી-બેઝ બોલથી હુમલો કરી ફરિયાદી તથા પુત્ર શૌકતને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જહાંગીરપુરા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી રહી હોવાનું જાણવા મળે છે.