Ahmedabad

શિક્ષક બન્યો હેવાન : આઠ વર્ષની બાળકીને બનાવી હવસનો શિકાર

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૮
શહેરના શાહપુર દરવાજા બહાર આવેલ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં અભ્યાસ કરતી આઠ વર્ષની બાળા પર શિક્ષક દ્વારા જ બળાત્કાર કરવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. શાળા બહાર એકઠા થયેલા લોકોએ પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. ભારે ઉહાપોહ થતા પોલીસે શિક્ષક સામે ફરિયાદ દાખલ કરી હતી પરંતુ હજી સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર,શાહપુર દરવાજા બહાર અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની શાળા નંબર-૫-૬ આવેલી છે આ શાળામા મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ દ્વારા અંગ્રેજી માધ્યમ ચલાવવામા આવે છે. આ શાળામા અભ્યાસ કરતી આઠ વર્ષની બાળા સાથે શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા સુનિલ ડામોર નામના શિક્ષકે બે દિવસ અગાઉ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.૧૬ મીના રોજ બનેલી આ ઘટનાની બાળકીએ તેના પરીવારમા વાત કરતા તેને દુખાવો થતો હોવાનુ કહેતા પરીવારજનો તેણીને લઈને ખાનગી તબીબ પાસે લઈ ગયા હતા જયાં તબીબે તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવા કહેતા આ આખીય બાબતનો પર્દાફાશ થવા પામ્યો હતો. આ તરફ બાળકીના પરિવારજનોમાથી મળતી વિગતો અનુસાર છેલ્લા બે દિવસથી સતત તેઓ સ્કૂલ સત્તાવાળાઓને આરોપી શિક્ષક સામે કાર્યવાહી કરવા રજુઆત કરી રહ્યા હોવા છતાં પણ સ્કૂલ સત્તાવાળાઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામા આવી નથી.દરમિયાન આ ઘટના આજે સમગ્ર શાહપુર વિસ્તારમા પ્રસરી જતા શાહપુર દરવાજા બહાર આવેલી આ મ્યુનિસિપલ શાળાની બહાર મોટી સંખ્યામા વાલીઓ એકઠા થયા હતા.જ્યાં શાળા ઉપર પથ્થરમારો કરી આરોપી શિક્ષક સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.શાહપુર પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમા લીધી હતી.આ તરફ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના શાસનાધિકારી લગધીર દેસાઈનુ કહેવુ છે કે,પોલીસ તપાસ ચાલુ છે સત્ય બહાર આવશે.શાહપુર પોલીસનો સંપર્ક કરવામા આવતા પોલીસ સૂત્રોનુ કહેવુ છે કે,આરોપી શિક્ષક સામે ફરીયાદ નોધવામા આવી છે હજુ સુધી ધરપકડ કરવામા આવી નથી.
મ્યુનિ. તંત્ર પરિપત્રોના નાટક બંધ કરી બાળકોને સુરક્ષા પૂરી પાડે
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી જણાવ્યું છે કે બળાત્કારી શિક્ષકને કઠોર શિક્ષા થાય તે માટે પોલીસ દ્વારા ચોકસાઈપૂર્વકની કાર્યવાહી કરવામાં આવે. મ્યુનિ. સ્કૂલ બોર્ડ તેના દ્વારા સંચાલિત શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાડ્યા હોવાની જાહેરાત કરી છે પરંતુ એક પણ શાળામાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા નથી આ અમદાવાદના નાગરિકો સાથે છેતરપિંડી સમાન છે. બાળકીઓ માટે અલગથી શૌચાલય બનાવવામાં આવે.
ભાજપ શાસિત મ્યુનિ. સ્કૂલ બોર્ડના અંધેર તંત્રને કારણે આજે મ્યુનિ. સંચાલિત શાળાઓમાં લોકો તેમના બાળકોને ભણાવવા મોકલતા નથી અને બળાત્કાર જેવા જઘન્ય કૃત્યોથી ગભરાયેલ વાલીઓ પોતાના બાળકોને મ્યુનિ. શાળાઓમાં મોકલવાનું સદંતર બંધ કરશે. માટે તંત્ર ફક્ત પરિપત્રોનું નાટક કરવાનું બંધ કરી શાળાના બાળકોને પૂરતી સુરક્ષા આપે તેમજ ગુનેગારને સખ્ત નશીયત થાય તેવી કાર્યવાહી કરે ઉપરાંત તાત્કાલિક પીડિત બાળાના પરિવારને રૂા.૧૦ લાખનું વળતર ચૂકવવામાં નહીં આવે તો અમારે મ્યુનિ. સ્કૂલ બોર્ડની કચેરીનો ઘેરાવ કરવો પડશે.
કોંગી દ્વારા ૧૦ લાખની સહાય આપવા માગણી

 

શહેરના શાહપુર વિસ્તારની મ્યુનિસિપલ શાળામા બનેલી આ શરમજનક ઘટનાને પગલે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ વિપક્ષનેતા દિનેશ શર્મા, પૂર્વ વિપક્ષનેતા બદ્દરૂદીન શેખે આરોપી શિક્ષકને તાકીદની અસરથી સસ્પેન્ડ કરવાની સાથે પીડીતાના પરીવારજનોને રૂપિયા ૧૦ લાખની આર્થિક સહાય આપવા માટે માગણી કરી છે.વાલીઓનો સ્કૂલબોર્ડની શાળાઓમા ભરોસો રહે એ માટે કડકમા કડક કાર્યવાહી કરવા માટે માગણી કરી છે.