૮ર વર્ષીય મહિલા માત્ર ર૦૦ રૂપિયા લઈને મહારાષ્ટ્રથી દિલ્હી આવી

(એજન્સી) પાલઘર, તા.૭
એક ૮ર વર્ષીય મહિલાએ બીજી બે મહિલાઓ સાથે મળીને સરકાર સામે વિરોધ દર્શાવવા માત્ર ર૦૦ રૂપિયા લઈને મહારાષ્ટ્રના પાલઘરથી દિલ્હી સુધીની સફર કરી હતી. ત્રણેય મહિલાઓ બુધવારે મજૂર કિસાન સંઘર્ષ રેલીમાં ભાગ લેવા માટે રાજધાનીમાં આવી હતી.
ત્રણેય મહિલાઓ તુલસી બાબુ ભગત (૮ર), જમની રામવાલવી (૭૮) અને મારચુ માલાજી ભીમરા (૭૮) આંગણવાડી હેલ્પરો છે. જેમને પાછલા ચાર મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. તેઓ ચાર દિવસથી માત્ર ર૦૦ રૂપિયા લઈને મુસાફરી કરી રહ્યા હતા. જે તેમના માટે પૂરતા ન હતા.
૮ર વર્ષીય તુલસીએ જણાવ્યું કે, હું મારા પાડોશી પાસેથી ર૦૦ રૂપિયા ઉધાર લઈને દિલ્હી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવી હતી. અમે આ ફાસીવાદી સરકારને અમારી પીડા દર્શાવવા આવ્યા છીએ. જે અમારી સમસ્યાઓ સાંભળવા માટે તૈયાર જ નથી. જો અમારી પ્રાથમિક જરૂરિયાતો સંતોષાતી હોત તો અમારે ૧પ૦૦ કિ.મી.ની મુસાફરી કરવાની જરૂર જ શી હતી. મારામાં ટ્રેનમાં મુસાફરી કરવાની જરા પણ તાકાત નહોતી, પરંતુ આ સરકાર બહેરી અને મૂંગી છે. માટે મારે આવવું પડ્યું.
તેમણે જણાવ્યું કે, મારી પાસે મારા પછી જોવા માટે કોઈ નથી. પરંતુ હું આગામી પેઢી માટે લડી રહી છું. હું આ સરકારની વિરૂદ્ધ મારા અંતિમ શ્વાસ સુધી લડીશ જે અમારા પૈસા છીનવીને કોર્પોરેટને આપી રહી છે.
બુધવારના દિવસે ર૩ રાજ્યોમાંથી એક લાખથી પણ વધુ ખેડૂતો અને કાર્યકરો મોદી સરકારની નિષ્ફળતાના વિરોધમાં દિલ્હી આવ્યા હતા. મજૂર કિસાન સંઘ દ્વારા સ્ત્રીઓ સામે હિંસા અટકાવવા, રોજગારીનું સર્જન કરવા અને ભૂખમરા તેમજ કુપોષણનો અંત લાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks