(એજન્સી) તા.ર૭
સાક્ષીઓ અને તબીબોના જણાવ્યા અનુસાર બળવાખોરોના કબજા હેઠળના શહેર ઈબ્બમાં સઉદીના નેતૃત્વ હેઠળના ગઠબંધન દળોના હવાઈ હુમલામાં સંખ્યાબંધ બાળકો સહિત એક જ પરિવારના ૯ સભ્યો મોતને ભેટ્યા હતા.
સાક્ષીઓએ જણાવ્યું હતું કે હૌથી બળવાખોરોએ જેને પોતાના શસ્ત્રાગારમાં ફેરવી નાખેલ છે તે કોલેજની બાજુમાં જ આ ઘર આવેલ હતું. બળવાખોરો વિરૂદ્ધના અભિયાનમાં નાગરિકોની વધી રહેલી જાનહાનિ મુદ્દે આરબ ગઠબંધનની વિશ્વભરમાંથી ટીકા વચ્ચે આ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. હૌથી બળવાખોરો અને ભૂતપૂર્વ યમની રાષ્ટ્રપ્રમુખ અલી અબ્દુલ્લાહ સાલેહને વફાદાર લડવૈયાઓ ઈબ્બ અને યમની રાજધાની સના સહિત યમનના વિશાળ ભાગો પર કબજો ધરાવે છે. સના પર કબજો બળવાખોરોએ સપ્ટેમ્બર ર૦૧૪માં મેળવ્યો હતો. ગત વર્ષના માર્ચ મહિનાથી ગઠબંધન દળોએે દરમ્યાનગીરી કર્યા બાદથી સરકારી દળોએ બંદરીય શહેર એડન સહિત યમનના દક્ષિણ પાંચ પ્રાંતોમાંથી બળવાખોરોને હાંકી કાઢ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના અનુસાર ગઠબંધન દળોનું અભિયાન શરૂ થયા બાદથી યમનમાં ૬૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. જેમાંથી અડધાથી પણ વધારે નાગરિકો છે. નાગરિકોની વધી રહેલી જાનહાનિ મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં યુએનએ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં ૧૮૦ લોકો માર્યા ગયા હતા તથા ર૬૮ ઘવાયા હતા. જે અગાઉના મહિનાની સરખામણીમાં ૪૦ ટકાનો વધારો દર્શાવે છે. ગઠબંધન દળોના અનુસાર હૌથી નેતાઓને નિશાન બનાવીને કરવામાં આવેલ બળવાખોરોના કબજા હેઠળના હુદાયદાહ શહેર પરના હુમલામાં ઓછામાં ઓછા ર૦ નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલાને યુએનના વડાએ વખોડી કાઢ્યા હતા.