(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
વર્ષ-ર૦૦૮માં ઉધના વિસ્તારમાં બનેલ હત્યાના ગુનામાં નવ વર્ષે પકડાયેલા ઘનશ્યાસ નાકરાણીને સેશન્સ કોર્ટે શરતોને આધિન જામીનમુક્ત કર્યો છે. પોલીસ તપાસમાં રહેલી વિસંગતતા ખામીઓનો લાભ આ આરોપીને મળ્યો હતો.
મળતી માહિતી અનુસાર ઉધના સ્થિત રામનગર સોસાયટી ખાતે રહેતા ચંદ્રિકાબેન ચંદુભાઈ દરજી નામની મહિલાની તા.ર૬-૯-ર૦૦૮ના રોજ હત્યા થઈ હતી. આ ગુનામાં મહિલાના પતિ સહિત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે ચોથા આરોપી ઘનશ્યામ નાકરાણી (હાલ રહે. કામરેજ)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. તેના ઉપર સોપારી લઈને હત્યા કરાવવાનો આરોપ હતો. આ કોન્ટ્રાક્ટ કિલર ઘનશ્યામ નાકારણીને નવ વર્ષ બાદ તા.૭-૮-ર૦૧૭ના રોજ એસઓજીની ટીમે સુરતમાંથી જ ઝડપી પાડ્યો હતો જેથી તેણે જામીન મુક્તિ માટે માંગ કરી હતી.
આરોપી તરફે એડવોકેટે દલીલ કરી હતી કે, પોલીસના કેસ મુજબ તિક્ષ્ણ હથિયાર વડે હત્યા થઈ છે. જ્યારે આ આરોપીના રિમાન્ડ વખતે પોલીસે સફેદ ઝેરી દવાનો પાવર અને પ્રવાહી રિકવર કરવા રિમાન્ડ માંગ્યા હતા. આરોપી પાસેથી સોપારીની કોઈ રકમ કે પુરાવો રિકવર કે ડિસ્કવર થયો નથી. વધુમાં તેમણે રજૂઆત કરી હતી કે, હાલના આરોપીને ‘એબ્સ્કોન્ડીંગ’ જાહેર કરવાની કોઈ કાર્યવાહી પોલીસે કર્યાનો પુરાવો રેકર્ડ ઉપર નથી. ઉપરાંત આરોપી કશે ભાગી ગયા નથી. આરોપીને કોર્ટમાં હાજર રહેવા માટે કોઈ નોટિસ કે સમન્સની બજવણી કરવામાં આવી નથી. પોલીસે જામીન નામંજૂર કરાવવા એફીડેવીટ ફાઈલ કરી રજૂઆત કરી હતી કે, જે-તે સમયે આરોપી ભાગી જતા આરોપીના પત્ની સહિત છ વ્યક્તિના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. જો કે પોલીસે આરોપીના પત્નીને અન્ય આરોપીઓ સામેના કેસમાં સાક્ષી તરીકે કોર્ટ રૂબરૂ તપાસેલા નથી. જેની નોંધ કરી સેશન્સ કોર્ટે આરોપી ઘનશ્યામ નાકરાણીને શરતોને આધિન રૂા.૧પ,૦૦૦/- ના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.