કાશ્મીરમાં નવ વર્ષની બાળકી સાથે ગેંગરેપ કર્યા બાદ હત્યા કરી આંખો બહાર કઢાઈ

(એજન્સી) શ્રીનગર, તા.૫
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં પોલીસે નવા વર્ષની બાળકી પર બળાત્કાર અને ત્યારબાદ હત્યાના કેસમાં એક મહિલા, તેના પુત્ર અને ત્રણ અન્ય વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ બાળકીની હત્યા બાદ તેની આંખો બહાર કાઢી નાખી હતી અને તેની બોડી પર એસિડ ફેંકીને તેને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે સાવકી માતાના આદેશ બાદ ૧૪ વર્ષના સાવકા ભાઈ અને તેના ત્રણ મિત્રોએ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો.
ગયા રવિવારે ઉરીના જંગલમાંથી બાળકોની કોહવાય ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. બારામુલ્લા જિલ્લાના સીનિયર પોલીસ ઓફિસર મીર ઇમ્તિયાઝ હુસૈનના જણાવ્યા પ્રમાણે, “મૃતદેહ મળી આવ્યા બાદ અમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. આ કેસને ઉકેલવા માટે એક ખાસ ટીમની રચના કરવામાં આવી હતી. તપાસમાં માલુમ પડ્યું હતું કે એક મહિલાના તેના પતિ સાથે સંબંધોમાં અંટસ પડી હતી. મહિલાના પતિએ સ્થાનિક ન હોય તેવી અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. તપાસ દરમિયાન મહિલાએ કહ્યું હતું કે તેનો પતિ તેની બીજી પત્ની સાથે વધારે સમય વ્યતિત કરતો હતો, અને તેના તમામ બાળકોમાંથી હત્યા કરવામાં આવી તે નવ વર્ષની દીકરી તેની સૌથી વહાલી હતી.”
પોલીસના જણાવ્યા પ્રમાણે, પતિના આવા વર્તન બાદ મહિલાએ બદલો લેવાની ભાવનાથી તેની સાવકી દીકરીની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. તેણી બાળકીને નજીકના જંગલમાં લઈ ગઈ હતી અને ત્યાં તેના ૧૪ વર્ષના પુત્રને સાવકી બહેન પર બળાત્કાર કરવાનું કહ્યું હતું. બાળકી પર તેની સાવકી માતાની નજર સામે જ ગેંગરેપ કરવામાં આવ્યો હતો.
પોલીસે વધુમાં કહ્યું કે, ગેંગરેપ બાદ સાવકી માતાએ બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી, તેના પુત્રએ બાળકીના માથા પર કુહાડીથી પ્રહાર કર્યો હતો. હત્યા બાદ ધારદાર હથિયારથી બાળકીની આંખો બહાર કાઢી નાખવામાં આવી હતી, બાદમાં તેની બોડી પર એસિડ ફેંકી દેવામાં આવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks