૯૦૦ કરોડના સૃજન કૌભાંડના આરોપીનું જેલમાં રહસ્યમય મોત

(એજન્સી) પટના, તા. ૨૧
મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડ જેવું જ બિહારના એનજીઓ સૃજન કૌભાંડમાં પ આરોપીઓના મૃત્યુ થવાના શરૂ થઇ ગયા છે. કલ્યાણ વિભાગમાંથી ધરપકડ કરાયેલા નાઝિર મહેશ મંડલનું રવિવારે અડધી રાતે મોત થયું હતું. ભાગલપુરના એસએસપી મહેશનું મોત કયા કારણોસર થયું તે જણાવી શક્યા નથી. મોતના કારણો હજુ સત્તાવાર રીતે બહાર પડાયા નથી પરંતુ મહેશના મોતથી અફવાઓનો દોર શરૂ થઇ ગયો છે. સૃજન કૌભાંડમાં અત્યાર સુધી ૧૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી ૧૧ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ છે જ્યારે ચાર લોકો સૃજન મહિલા વિકાસ સહયોગ સમિતિ લિમિટેડ અને ત્રણ બેંકકર્મી છે. નોંધનીય છે કે, સૃજન કૌભાંડ અંગે લાલુપ્રસાદ યાદવે નીતિશકુમાર મહાગઠબંધન થઈ અલગ થયા ત્યારે તેમના પર અને સુશીલ કુમાર મોદી પર તેમાં સંડોવાયા હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે.
પોલીસની એઆઇટીએ જે દિવસે આરોપી મહેશ મંડલને તેના ગામના આલિશાન એરકંડિશન્ડ બંગલામાંથી ધરપકડ કરી હતી તે વખતે તેની તબિયત બગડવા લાગી હતી. જો કે પોલીસે એક ખાનગી ક્લિનિકમાં તેનું ડાયાલિસિસ કરાવ્યું હતું. ત્યારબાદ પોલીસે બે દિવસ સુધી તેની આકરી પૂછપરછ પણ કરી હતી. સૂત્રો અનુસાર મંડલના નિવેદનને આધારે જ કલ્યાણ અધિકારી અરૂણ કુમાર ગુપ્તાને એસઆઇટીએ પકડી પાડ્યો હતો. ત્યારબાદ આ બંનેએ પોલીસ તથા આર્થિક અપરાધ શાખાની ટીમને ઘણા મોટા અધિકારીઓ અને મોભાદાર લોકોના નામ જણાવ્યા હતા. જોકે મહેશને જેલમાં મોકલતી વખતે તેની હાલત સારી હતી. એસએસપીએ જણાવ્યંુ કે, તેમને પહેલાથી જ ગંભીર બીમારી હતી અને વર્ષમાં ત્રણ વખત ડાયાલિસિસની જરૂર પડતી હતી. જેલમાં અડધી રાતે જ અચાનક તેની તબિયત લથડી અને મોત નીપજ્યું હતું. મંડલના મોતને લોકો પોલીસે ઘડી કાઢેલી વાર્તા ગણાવી રહ્યા છે. લોકોને પોલીસની દલીલ ગળે ઉતરતી નથી. મહેશ મંડલના પરિવારજનો કહે છે કે, તેને ગંભીર બીમારી હતી પરંતુ તેઓની શંકા પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ દૂર થશે.
બિહાર વિધાનસભામાં હોબાળા વચ્ચે
નીતિશ-સુશીલનું રાજીનામું મગાયું
બિહાર વિધાનસભામાં ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ સોમવારે સૃજન કૌભાંડ અને બિહાર પૂર અંગે જોરદાર હોબાળો કર્યો હતો. હોબાળાને કારણે વિધાનસભાની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરી દેવાઇ હતી. પ્રથમ દિવસે જ રાજદના સભ્યોએ પોસ્ટર લઇ પ્રદર્શનો કર્યા હતા અને નારેબાજી કરી હતી. ત્યારબાદ ગૃહમાં પણ હંગામો કર્યો હતો. વિપક્ષના સભ્યો સૃજન કૌભાંડ મામલે મુખ્યમંત્રી નીતિશકુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીના રાજીનામા માગી રહ્યા હતા. બીજી તરફ ડાબેરીઓએ પૂરને રાષ્ટ્રીય આપદા જાહેર કરવાની માગ કરી હતી.

 

આરોપીનાં મોત અંગે લાલુના નીતિશ પર પ્રહાર
સૃજન કૌભાંડમાં આરોપી મહેશ મંડલના મોત બાદ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. લાલુપ્રસાદે ટિ્‌વટ કરી લખ્યું હતું કે, સૃજન મહાકૌભાંડમાં પ્રથમ મોત. ૧૩ની ધરપકડ તેમાંથી એકનું મોત. મોતને ભેટનાર ભાગલપુરમાં નીતિશની પાર્ટીના એક ઘણા અમીર નેતાનો પિતા હતો. ઉલ્લેખનીય છે કે, લાલુપ્રસાદ પહેલાથી જ સૃજન કૌભાંડમાં નીતિશકુમાર પર આરોપ લગાવતા આવ્યા છે.

 

શું છે સૃજન કૌભાંડ અને ક્યાં સુધી ફેલાયું છે ?
સૃજન મહિલા સહયોગ સમિતિએ સરકારી વિભાગ અને બે બેંકોના કર્મચારીઓ-અધિકારીઓની સાંઠ-ગાંઠથી ગેરરીતિ કરી સરકારી તિજોરીમાંથી ૮૮૪ કરોડનંું કૌભાંડ આચર્યું હતું. કૌભાંડની રકમમાં હજુ વધારો થાય તેમ છે કારણ કે, હજુ અન્ય વિભાગોમાંથી પણ પટનાથી આવેલી આર્થિક વિભાગની ટીમ રાત-દિવસ ઓડિટ કરવામાં લાગી ગઇ છે. એનજીઓ સૃજનની કડી રાંચી સાથે પણ સંકળાયેલી છે. સૃજનની સંસ્થાપક મનોરમા દેવી અને તેમની પુત્રવધૂ પ્રિયાકુમારનું પિયર રાંચીમાં જ છે. હાલ પ્રિયા સૃજનની સચિવ છે અને હાલ ફરાર છે. પ્રિયા સાથે તેનો પતિ અમિતકુમાર પણ ફરાર છે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે અને માનવામાં આવે છે કે, તેઓ રાંચીમાં છે. એસએસપી અનુસાર તેમની ધરપકડ બાદ ઘણા મોટા ખુલાસા થવાની આશા છે. ૨૦૦૮માં નિમાયેલા જિલ્લા અધિકારી વિપિનકુમારે સરકારી નાણાનું સૃજન ખાતામાં હસ્તાંતરણ જોઇ ચોંકી ઉઠ્યા હતા અને તરત આ કામને રોકવા સલાહ આપી હતી. પરંતુ તેમની બદલી થઇ ગઇ અને બાદમાં ફરી ખેલ શરૂ થઇ ગયો હતો. વિપિન કુમાર હાલ દિલ્હીમાં બિહાર ભવનના સચિવ છે. જોકે, મહેશ મંડલના મોતથી વિવિધ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે કે, ક્યાંક વ્યાપમની જેમ અહીં પણ મોતો થવાનું શરૂ ના થઇ જાય.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks