(એજન્સી) જીદ્દાહ, તા.ર
JASTA નામનો નવો કાયદો કે જેને તાજેતરમાં જ અમેરિકી કોંગ્રેસ (સંસદે) મંજૂરી આપી છે તેના કારણે સઉદી અરેબિયા સાથેના અમેરિકાના દાયકાઓ જૂના ખાસ સંબંધો અને સહકારને મોટો ધક્કો પહોંચી શકે છે. પરંતુ સઉદી અરેબિયા પાસે વળતો હુમલો કરવા માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે જેમ કે તે અમેરિકા સાથેના સત્તાવાર સંબંધો ઘટાડી શકે છે. અમેરિકામાંથી અબજો રૂપિયાનું મૂડી રોકાણ પરત ખેંચી શકે છે તથા અખાતી સહકાર સમિતિ (GCC)માં તેના નિકટના સાથીઓને પણ અમેરિકામાં રોકાણ ઘટાડવા તથા અમેરિકા સાથે ત્રાસવાદ વિરોધી સહકાર ઘટાડવા માટે સમજાવી શકે છે એટલું જ નહીં પરંતુ તે અમેરિકાને મહત્ત્વના એવા અખાતી પ્રદેશના હવાઈમથકોને વાપરવાની સુવિધાથી પણ વંચિત રાખી શકે છે. અમિરાતી અખાતી બાબતોના નિષ્ણાંત અને યુએઈ યુનિ.ખાતેના રાજ્ય શાફાગના પ્રાધ્યાપક અબ્દુલ ખાલિદ અબ્દુલ્લાહે જણાવ્યું હતું કે અમેરિકાએ તથા સમગ્ર વિશ્વએ એ સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે જ્યારે GCC રાષ્ટ્રને અયોગ્ય રીતે નિશાન બનાવવામાં આવે ત્યારે GCCના સભ્ય દેશો નિશાન બનાવવામાં આવી રહેલ સભ્ય દેશની પડખે જ રહેશે અને એવું કહી શકાય કે GCCના લગભગ બધા જ સભ્યો દરેક રીતે સઉદી અરેબિયાની પડખે જ રહેશે. યાદ રહે કે ગત વર્ષે પણ સ્વીડનના વિદેશમંત્રી માર્ગોટ વોલસ્ટોર્મે માનવાધિકાર મુદ્દે સઉદીની આકરી ઝાટકણી કાઢી ત્યારે સઉદીએ આક્રમકતાથી સ્વીડન પર વળતો પ્રહાર કરતા સ્ટોકહોમ હચમચ ગયું હતું પરંતુ બાદમાં સ્વીડને પીછેહઠ કરવી પડી હતી.
જોર્ડની જિઓપોલિટિકલ નિષ્ણાંત એવા આમિર સબઈલેહે જણાવ્યું હતું કે JASTA કાનૂનને કારણે અમેરિકા અને તેના સાથીઓના સંબંધોમાં નવો અધ્યાય શરૂ થશે. આ કાનૂન એવા સમયે પસાર કરવામાં આવ્યો છે જ્યારે અગાઉથી જ અમેરિકા આરબ સંબંધો કટોકટીભર્યા તબક્કામાં છે. આથી આ કાનૂનને પગલે અમેરિકાના અન્ય દેશો સાથેના સંબંધો પર પણ નકારાત્મક અસરો પડી શકે છે. કારણ કે આ એકતરફી રીતે ભરવામાં આવ્યું છે.