સુરતમાં કાપડના વેપારી સાથે ૯ર.૭૦ લાખની ઠગાઈ કરી બે ભાઈઓ ફરાર

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૬
વરાછા વિસ્તારમાં રહેતા કાપડના વેપારીને મોટા વેપારી હોવાની ઓળખ આપી માલ લીધા બાદ ૯૦ દિવસમાં પૈસા ચૂકવવાનો વાયદો કરી બે ભાઇઓ કુલ રુા.૯૨.૭૦ લાખની છેતરપિંડી કરી નાસી છુટયા હતા.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વરાછા વિસ્તારના એલ. એચ. રોડ પર કમલબાગ સોસાયટીમાં રહેતા ભરતભાઇ વિરજીભાઇ ધોરી સારોલી ખાતે મોડલ ટાઉન રેસિડેન્સિમાં ગણગોર ટેક્ષટાઇલ પ્રા. લિ. નામની દુકાન ધરાવે છે. દોઢ વર્ષ અગાઉ મનિષભાઇ વિઠ્ઠલ ડુંગરાણી (રહે. ૧૨૦૩, ઇદ્ર બિલ્ડીંગ સરથાણા જકાતનાકા)અને ધર્મેશ વિઠ્ઠલભાઇ ડુંગરાણી તેમના સંપર્કમાં આવ્યા હતા. શરૂઆતમાં કાપડનો માલ ખરીદી પૈસા ચૂકવી વિશ્વાસ સંપાદન કર્યો હતો. બાદમાં મનિષ ડુંગરાણીએ જય અંબે ફેબરિક્શના નામથી તા. ૦૩/૦૪/૨૦૧૮ થી તા. ૨૯/૦૬/૨૦૧૮ દરમિયાન કુલ ૪૫,૯૪,૬૯૫નો ટાપેટા કાપડનો માલ ખરીદી કર્યો હતો તથા ધર્મેશ વિઠ્ઠલભાઇ ડુંગરાણી એ જય અંબે ટેક્ષટાઇલના નામથી તા. ૨૫/૦૧/૨૦૧૭ થી તા. ૩૧/૦૩/૨૦૧૭ સુધીમાં કુલ ૪૬,૭૫,૬૧૮ રૂપિયાનો ટાપેટાકાપડનો માલ ખરીદી કર્યો હતો. આ તમામ કાપડના પૈસા તેઓએ ૯૦ દિવસમાં ચૂકવી દેવાનો વાયદો પણ કર્યો હતો. જોકે પૈસા ચુકવણી કર્યા ન હતા. આમ બન્ને ફર્મના મળી કુલ્લે રૂપિયા ૯૨,૭૦,૩૧૩ ભરતભાઇએ લેવાના નિકળતા હતા. પૈસા ન આવતા આખરે ભરતભાઇએ ઉઘરાણી શરૂ કરી હતી આ બંને ભાઇઓએ પૈસાના બદલામાં ચેકો આપ્યા હતા. જેથી ભરતભાઇ ને પોતાની સાથે છતરપિંડી થયાની જાણ થઇ હતી. ભરતભાઇ એ આખરે બંને ભાઇ સામે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks