નોટબંધીને પૂરો થયો એક મહિનો, આમ આદમી ના રહ્યો ક્યાંયનો

કાળાં નાણાંના નામે કાળો કેર : સડકથી સંસદ સુધી હંગામો જ હંગામો

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૮

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮મી નવેમ્બરની રાત્રે રૂા.પ૦૦ અને રૂા.૧૦૦૦ની નોટ ચલણમાંથી રદ કર્યાને આજે બરાબર એક મહિનો થઈ ગયો છે. આ એક મહિના દરમિયાન ગરીબ અને મધ્યમવર્ગની પ્રજાનો મોટાભાગનો સમય બેંકો અને એટીએમની લાઈનમાં જ પસાર થયો છે. નાણાં લેવાની દોડમાં પ્રજાની હાલત ચલકચલાણા જેવી થઈ ગઈ છે. નોટબંધીને લીધે કાળુંનાણું તો બહાર ન આવ્યા પરંતુ દેશ અને પ્રજાને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.  નોટબંધીની જાહેરાતને આજે બરાબર એક મહિનો થયો છતાં બેંકો અને એટીએમની બહાર  લાઈનો ઓછી થતી નથી. સામાન્ય પ્રજાને એટીએમમાંથી માત્ર બે હજાર રૂપિયા અને બેંકમાંથી માત્ર ચાર હજાર  રૂપિયા મેળવી સંતોષ માનવો પડે છે.

જ્યારે વૈભવી કારોમાં મહાલતા લોકોને નોટબંધીની કોઈ અસર જ ન થઈ હોય તેમ રોજની જેમ જ પેટ્રોલ-ડિઝલનો ધુમાડો કરી રહ્યા છે. આરબીઆઈ કહે છે અમે પૂરતી કેશ બેંકો અને એટીએમમાં પૂરી પાડી રહ્યા છીએ જ્યારે બેંકો એટીએમમાં પૂરતી કેશ જ નથી ત્યારે બંનેમાંથી સાચું કોણ ? જો આરબીઆઈ સાચી તો કેશ ક્યાં  પગ કરી જાય છે ? અને જો બેંકવાળા સાચા હોય તો આરબીઆઈ જુઠંુ બોલે છે તે સાબિત થાય છે. છેલ્લા એક સપ્તાહથી તો એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે બેંકો દ્વારા સપ્તાહમાં રૂા. ર૪ હજારને બદલે માત્ર બે-ચાર હજાર રૂપિયા આપી ગ્રાહકોને સમજાવી દેવાય છે. પરિણામે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે લોકો જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ સિવાય વધારાની કોઈ ખરીદી કરી શકતા નથી આથી બજારો સુમસામ ભાસી રહ્યા છે.  જે લોકોએ મહિનાઓ અગાઉ લગ્નની તારીખ નક્કી કરી નાંખી છે તે પૈકી કેટલાકે તો લગ્ન મોકૂફ રાખવાની ફરજ પડી છે તો અમુક લોકો મર્યાદિત મહેમાનો સાથે સાદાઈથી લગ્ન કરી રહ્યા છે. અછતને લીધે સવારથી સાંજ સુધી કરાઈ રહેલી ભાગદોડથી લોકોના ચહેરા પરથી નૂર ઉડી ગયું છે. સામાજિક પ્રસંગો પણ સચવાતા નથી. લોકો કયામત જેવી નફસા નફસીની હાલતમાં મૂકાઈ ગયા હોય તેવો અનુભવ કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. અમદાવાદના જમાલપુર સ્થિત એક બેંકમાં નાણાં લેવા છેલ્લા પાંચ દિવસથી ધક્કા ખાતા સલીમ શેખ નામના ખાતેદાર જણાવે છે કે સરકારની દાનત લોકોને પરાણે કેશલેસ વ્યવહાર તરફ વાળવાની હોય તેમ જણાય છે. લોકોને લાઈનમાં ઊભા રખાવી થકવી દો એટલે આપોઆપ તેઓ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ અપનાવતા થઈ જશે પરંતુ સરકાર એ ભૂલી જાય છે કે આપણે અમેરિકા કે ઈંગ્લેન્ડ નહીં પરંતુ ૭૦ ટકા ગરીબ વસ્તી ધરાવતા દેશમાં રહીએ છીએ. જ્યાં લોકોને બેંકની સ્લીપ પણ ભરતાં આવડતું નથી તેવા લોકોના હાથમાં ડેબિટકાર્ડ થમાવી દેવાથી ગેરઉપયોગ થવાની શક્યતા વધુ રહેલી છે. ત્યારે સરકારે કાળુંનાણું નાબૂદ કરવાના ચક્કરમાં પ્રજાને ચક્કર ખવડાવવામાંથી મુક્તિ અપાવવી જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts