એક એવું ગામ કે જ્યાંના લોકોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનનો અધિકાર જ નહીં !

આઝાદી બાદથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી શકનાર

રાજપીપળા,તા.૮

નાંદોદ તાલુકાના જેવડા ૨૦૦ જેટલી વસતી ધરાવતા નાના કુંવારપારા ગામના લોકો છેક આઝાદી સમય થી લોકસભા વિધાનસભાની ચૂંટણીમાં મત આપી શકે પરંતુ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં મત જ ન આપી શકે .તો આ કારણ થી પોતાના ગામનો વિકાસ રૂંધાતો હોવાના આક્ષેપ સાથે આજે ગ્રામવાસીઓએ આવનારી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી હતી. નાંદોદ તાલુકાના નાના કુંવારપારા ગ્રામ વાસીઓએ આ બાબતે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લોકસભા-વિધાનસભાની ચૂંટણીમાં અમારું નામ હોય તો સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ક્યાં ગાયબ થઇ જાય છે.સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં અમારા ગામનો કોઈ પ્રતિનિધિ જ ચૂંટાય નહિ તો ગામના વિકાસ પ્રત્યે કોણ ધ્યાન આપશે? આ બાબતે અમે કેટલીયે વાર સરકારી તંત્ર તથા ચૂંટાયેલી પાંખના નેતાઓને રજુવાત કરી છે.સરકારી બાબુઓ અને નેતાઓ અમને સારું લગાડવા માટે યોગ્ય કાર્યવાહીની સાંત્વના આપે છે.પણ સરવાળે મીંડું, સરકારી તંત્રે તો અમને રાજપીપળા નગર પાલિકામાં તમારા ગામનો સમાવેશ થયો હોવાનું જણાવ્યું હતું.પરંતુ  રાજપીપળા પાલિકામાં પણ અમારું નામ નથી.અંતે ગામની મહિલાઓ સહિત આગેવાનોએ આજે ગામ માં એકત્રિત થઇ ને આ બાબતે જો યોગ્ય ના થાય તો આવનારી તમામ ચૂંટણીઓના બહિષ્કારની ચીમકી આપી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ગામના લોકોનો ગ્રામ પંચાયત કે નગરપાલિકામાં સમાવેશ થતો ન હોવાથી દસ્તાવેજી પુરાવા સહિત અન્ય દાખલાઓ કઢાવવા માટે ધરમના ધક્કા ખાવા પડતા હશે.તો વિકાસના બંણગા ફૂંકતા સ્થાનિક સત્તાધારી પક્ષના નેતાઓએ આ સમસ્યા હલ કરવા આગળ આવવું જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts