વિસાવદર,તા.૧
પાટીદાર મતદારોના ગઢ ગણાતા વિસાવદર-ભેસાણ મત વિસ્તારમાં પાટીદારના સાવજ હાર્દિક પટેલની ગઈકાલે વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ હતું. આ પૂર્વે તેઓએ ભેસાણના ગામડામાં પણ ભવ્ય રેલી કરેલ હતી. વિસાવદર તાલુકાની હદમાં પ્રવેશતા દરેક તાલુકાના ગામ લોકોએ હાર્દિક પટેલનું હારતોરાથી સ્વાગત કરેલ હતું.
વિસાવદર સરદાર પટેલ ચોકમાં ભાજપના કાર્યાલય સામે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરેલ હતા અને ત્યારબાદ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે જંગી જાહેરસભાને સંબોધેલ હતી. મોટી મોણપરી ગામમાં હાર્દિકને સાંભળવા માટે આશરે ર૦ હજાર જેટલી મેદની ઉમટી પડેલ હતી.
હાર્દિક પટેલે ભાજપ સરકારે તેમના ૧૪-૧૪ ભાઈને ગોળીએ વિંધ્યા છે. ખેડૂતોનું શોષણ કરવાનું કામ આ વર્તમાન સરકારે કરેલ છે. ખેડૂતોને ખેતપેદાશ, જણસોના ભાવો પુરા નહીં. આથી ખેડૂતોને ઉલ્લુ બનાવ્યા છે. જેમ ખેડૂતો પાંચ સાત વર્ષે પોતાના બળદને બદલી નાખે છે. તેવી જ રીતે છેલ્લા રર વર્ષથી ગુજરાત ઉપર રાજ કરતી ભાજપને સરકારને પણ બદલી નાખવા સમાજને અપીલ કરેલ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણી ભાજપ-કોંગ્રેસ વચ્ચેની નથી આ ચૂંટણી છ કરોડ ગુજરાતીઓની ભાજપ સામેની ચૂંટણી છે. ૯મી તારીખે વહેલાસર મતદાન કરી ભાજપને મત ન આપવા જાહેરમાં કહું છું. હાર્દિકે વધુમાં જણાવેલ કે આ સરકારમાં વિકાસ થયો છે પરંતુ મોંઘવારી, ગેસના ભાવ, પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવનો વિકાસ થયો છે.
આચારસંહિતા ભંગની ફરિયાદની સંભાવના…?
વિસાવદર શહેરમાં હાર્દિકને રેલી માટે મંજૂરી આપવામાં આવેલી ન હોવા છતાં બાઈક તથા કાર રેલી કરેલ હોવાના અહેવાલના પગલે વીડિયો રેકોર્ડિંગ સરકારી તંત્ર દ્વારા મેળવવા પ્રયાસો ચાલુ થયા છે.
ભાજપના ઉમેદવારને નિશાન બનાવ્યા ?
ભાજપના ઉમેદવારને નિશાન બનાવી હાર્દિક પટેલે પાટીદાર સમાજના લોકોને જણાવેલ કે શું તમારે કામ પડશે તો તાલાળા જશો…? અત્યારથી તંત્રને ધમકી આપનાર આવા વ્યકિત ચૂંટાશે તો પ્રજાજનોને ધમકાવશે, સ્થાનિક અને ખેડૂતો વચ્ચે રહેનાર ઉમેદવારને ચૂંટીને મોકલો આયાતીને નહી તેમને તગેડી મુકો તેવું જણાવેલ હતું.