(એજન્સી) ચેન્નાઈ, તા.ર૭
ચેન્નાઈની ઈલિયટ ચોપાટી પર મૂકવામાં આવેલ કોમ્યુનિટી રેફ્રિજરેટર ભૂખ્યા લોકો માટે વરદાન સાબિત થઈ રહ્યું છે. જે લોકો ભૂખથી પીડિત છે. તેઓ આ રેફ્રિજરેટરમાંથી કોઈને પણ પૂછયા વિના ભોજન લઈ શકે છે. આ ફ્રિજમાં લોકો વધારાનું ભોજન મૂકી જાય છે અને જે ભૂખ્યું હોય તે ફ્રિજમાંથી જે જોઈએ તે લઈ શકે છે તે માટે કોઈપણ ઓળખપત્રની જરૂર નથી. થાકેલા તેમજ ભૂખ્યા ૭ર વર્ષીય કચરો વીણનાર કુમાર આ મશીનમાંથી કેળા અને ફળોના રસ લઈ પોતાની ભૂખ સંતોષ્યા બાદ કહ્યું કે મારા જેવા તરછોડી દેવાયેલા વ્યક્તિ માટે આ વરદાન સમાન છે. જો મને ભોજન માટે કશું ન મળે તો હું ભૂખ્યો જ સૂઈ જાઉં છું. શનિવારે બપોરના ભોજન સમયે બાળકોના એક ટોળાએ આ ફ્રિજને સેન્ડવીચ, જ્યુસ અને અન્ય સામાનથી ભરી દીધું. સ્થાનિક રેસ્ટોરન્ટના એક કામદારે પણ બિરયાની ભરેલું એક બોક્સ મૂકયું. ફ્રિજમાં કેળા, દાડમ અને મોસંબી જેવા અન્ય ફળો પણ હતા. ૧ર વર્ષીય વિદ્યાર્થિની કામાક્ષીએ કહ્યું કે એવા પણ બાળકો છે જે કચરામાંથી ખોરાક મેળવે છે. આપણે ખોરાકના એક દાણાને વેડફતા પહેલાં સો બાર વિચારવું જોઈએ. એવા ઘણા લોકો છે જેમને એ પણ નથી મળતું. અન્ય એક વિદ્યાર્થિની પ્રિયંકાએ કહ્યું કે એક વાર ભૂખે મરતા લોકો વિષે વિચારો. આ વિદ્યાર્થીઓ સમયાંતરે આ ફ્રિજને ભરતાં રહે છે. લોકો પુસ્તકો, કપડાં, રમકડાં તેમજ ચંપલો પણ દાન કરી શકે છે. રેફ્રિજરેટરની બાજુમાં ઊભું કરાયેલ કબાટ આ બધી વસ્તુઓ ધરાવે છે. ધો.૯નો વિદ્યાર્થી એન્ટોની જેકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તે અહીં પોતાના સ્વનોઝ ડેનિમ ટ્રાઉઝર અહીંથી લઈ ગયો. એક રિક્ષાચાલકની પુત્રી જયશ્રીએ પોતાના માટે રંગપૂરણી માટેનો પુસ્તક લીધો જ્યારે તેના ભાઈને ચંપલ અને રમકડાં મળ્યા અને માતાને પોતાના માટે સલવાર. જયશ્રીની માતા મીનાક્ષીએ કહ્યું કે આ વસ્તુઓ બજારમાં પણ ઉપલબ્ધ છે પરંતુ અમે તે ખરીદી નથી શકતા હું ખૂબ જ ખુશ છું. ‘કોમ્યુનિટી રેફ્રિજરેટર’નો આ વિચાર ડૉ.ઈસા ફાતિમા જાસમીનનો છે જે એક ઓર્થોડેન્ટિસ્ટ છે. તેણી કહે છે કે ભારતમાં બનતા આહારનો મોટો હિસ્સો કચરામાં જાય છે. આપણે ભારતની વસ્તી કરતાં બમણા લોકોને ભોજન પૂરું પાડી શકીએ છીએ. પરંતુ પ૦% જેટલો બગાડ થાય છે. અમે લોકોએ એ જ ખોરાક લાવવાનું કહીએ છીએ જે તેમણે આ ફ્રિજના અભાવે કચરામાં નાંખ્યો હોત. અમુધા નામના એક સોફટવેર પ્રોફેશનલે કહ્યું કે આપણા વધેલા ખોરાકથી આપણે ગરીબોને ખવડાવી શકીએ છીએ. તેમણે સરકાર પર આધારિત રહેવાની જરૂર નથી.