(એજન્સી) તા.૪
કેન્દ્ર સરકારે અરૂણાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓને અશાંત જાહેર કરી ત્યાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ (આફસ્પા) લાગુ કરી દીધો છે. ગૃહમંત્રાલયે બુધવારે આ વિશે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. આ જાહેરનામામાં તીરપ, ચાંગલાંગ, અને લોંગડિંગ જિલ્લાઓને અશાંત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અરૂણાચલ-આસામ સરહદે આવેલા લગભગ ૮ પોલીસ સ્ટેશનો અંતર્ગત આવતા કેટલાક વિસ્તારોને પણ અશાંત જાહેર કરી દેવામાં આવ્યા હતા. આ જાહેરનામા મુજબ ‘તિરપ, ચાંગલાંગ, લોંગડિંગ જિલ્લાઓ તેમજ આસામ સરહદે આવેલા ૮ પોલીસ સ્ટેશનોના હદક્ષેત્રમાં આવતા વિસ્તારોને અશાંત જાહેર કરવામાં આવ્યા છે. એવા સંજોગોમાં આફસ્પા એક્ટ, ૧૯પ૮ની ધારા ૩ હેઠળ પોતાની શક્તિઓનો ઉપયોગ કરતા કેન્દ્ર સરકાર આ વિસ્તારોમાં ૩૧ માર્ચ ર૦૧૯ સુધી આફસ્પા લાગુ કરવાની જાહેરાત કરે છે. ૧ ઓક્ટોબર ર૦૧૮થી આ જાહેરનામાનો અમલ થશે. આ પહેલાં આસામના ગવર્નર જગદીશ મુખીએ ૩૦ ઓગસ્ટે રાજ્યમાં લાગુ કરવામાં આવેલા આફસ્પાની મુદ્દત વધુ છ મહિના માટે વધારી દીધી હતી.