(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
પલસાણા કડોદરા વિસ્તારમાં ગઈકાલે બનેલા ગોઝારા અકસ્માતમાં ૧૦ જણાંના મૃત્યુ થતા ગમગીની વ્યાપી ગઈ હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી બાદ મૃતકોનાં મૃતદેહ પરિવારજનોને સોંપી દીધા હતા. આ મૃતકોની સ્મશાન યાત્રા આવતીકાલે નીકળનાર હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈનોવા ગાડી લઈને સાપુતારા જવા રવાના થયેલા મિત્રોની કારને બલેશ્વર નજીક અકસ્માત થતાં ૧૦ જણાંના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામનારા સુબોધ કુમાર સુખદેવ ચૌધરી, મનીષ ભરતલાલ સેન, ચિરાગ મનોજ પટેલ, બીટ્ટુ શત્રુઘ્ન સિંગ રાજપૂત, વિશાલ સાંમત, સતીષસિંઘ રાજપુત, તારાસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ, સુમિત જીતેન્દ્ર શાહુના મૃતદેહનું પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરી આ મૃતદેહના પરિવારજનોને જાણ કરી દઈ પરિવારજનોને મૃતદેહ સોંપવાની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન મૃતકના કેટલાક પરિવારજનો રાજ્યની બહાર રહેતાં હોવાથી તેઓને પણ પોલીસે જાણ કરી દીધી હતી. મૃતકો પલસાણાના અલગ અલગ વિસ્તારોમાં રહેતાં હતા. જ્યાં આ ઘટનાને પગલે ગમગીની વ્યાપી ગઈ હતી. હાલ મૃતકોના પરિવારજનોની રાહ જાવાઈ રહી છે. મૃતકોના પરિવારજનો આવ્યા બાદ મૃતકોની અંતિમ યાત્રા નીકળનાર હોવાનું જાણવા મળે છે.