Ahmedabad

રાજ્યમાં જિલ્લા-તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકો માટે આજે પેટાચૂંટણી

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૮
રાજ્યના કેટલાક વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જામ્યા બાદ હવે આવતીકાલે મતદાન થવાનું છે. રાજ્યની બે જિલ્લા પંચાયતોની અને ૩૧ તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે સવારે મતદાન હાથ ધરાનાર છે. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે યોજાનાર આ મતદાનમાં ૧.૮૮ લાખથી વધુ મતદારો તેમના મતદાનના અધિકારોનો ઉપયોગ કરશે. આ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની બેઠકોમાં કુલ ૭ અને તાલુકા પંચાયતોમાં કુલ ૬૧ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.રજી ડિસેમ્બરે જાહેરકરેલ ચૂંટણી કાર્યક્રમ મુજબ રાજ્યની બે જિલ્લા પંચાયતો અમદાવાદની બે બેઠકો અને પોરબંદરની એક બેઠક મળી કુલ ખાલી પડેલી ત્રણ બેઠકો માટે તથા ૩૧ તાલુકા પંચાયતોની ખાલી પડેલી ૪૧ બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની જાહેરાત થઈ હતી. ચૂંટણી જંગના અંતિમ ચિત્ર મુજબ જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે ભાજપના ત્રણ, કોંગ્રેસના ત્રણ અને અન્ય પક્ષનો એક મળી કુલ સાત ઉમેદવાર ચૂંટણી જંગમાં રહેલ છે. ૩૧ તાલુકા પંચાયતોની ખાલી પડેલી કુલ ૪૧ બેઠકો પૈકી ચાણસ્મા તાલુકા પંચાયતની છ બેઠકો માટે પેટાચૂંટણી થવાની હતી તેમાં પાંચ બેઠકોની હાઈકોર્ટના આદેશ અનુસાર ચૂંટણી રદ કરાઈ હતી તો આ સાથે મહેમદાવાદ તાલુકા પંચાયતની ખાલી ત્રણ બેઠકો પૈકી બે બેઠકોની પેટાચૂંટણી પદ રદ થતાં કુલ સાત બેઠકોની ચૂંટણી આયોગ દ્વારા રદ કરવામાં આવી હતી. એટલે કુલ ૪૧ બેઠકોમાંથી ૩૪ બેઠકોની પેટાચૂંટણી યોજાવાની કાર્યવાહી આયોગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પાટણ જિલ્લાની હારીજ તાલુકા પંચાયતની એક બેઠક, મહેસાણા જિલ્લાની સતલાસણા તાલુકા પંચાયતની એક બેઠક, સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ તાલુકા પંચાયતની એક તથા અમરેલી જિલ્લાની બાબરા તાલુકા પંચાયતની એક બેઠક મળી કુલ ચાર બેઠકોમાં આશ્ચર્ય વચ્ચે એક પણ ઉમેદવારે ઉમેદવારી જ નોંધાવી ન હોઈ ચૂંટણી યોજી શકાઈ નથી. જ્યારે સાબરકાંઠા જિલ્લાની પોશીના તાલુકા પંચાયતની બે બેઠકો, ગીર-સોમનાથ જિલ્લાની સૂત્રાપાડા તાલુકા પંચાયતની એક બેઠક મળી કુલ ત્રણ બેઠકોમાં કોંગ્રેસ સહિત અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી જ ન નોંધાવતા ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આમ હવે તાલુકા પંચાયતોની ખાલી પડેલી કુલ ૪૧ બેઠકોમાંથી ર૭ બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાશે જે માટે કુલ ૬૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. તાલુકા પંચાયતોની બેઠકો માટે ૧૭૪ મતદાન મથકો અને ૧,૩૬,૬૬૩ મતદારો છે જ્યારે જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે ૬પ મતદાન મથકો અને પર,૧૧૩ મતદારો મતદાનના અધિકારનો ઉપયોગ કરશે. આવતીકાલે મતદાન બાદ મતગણતરી ૩૧મી ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.