(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીના ઉપરાજ્યપાલની કચેરીમાં ધરણા કરી રહેલા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તથા રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હજારો સમર્થકોએ ઉપરાજ્યપાલના ઘર તરફ કૂચ કરી હતી જોકે, મોટી સંખ્યામાં પહેલાથી જ પોલીસને ખડકી દેવાઇ હતી જેણે આ કૂચને અધવચ્ચે જ રોકી દીધી હતી. રેલીમાં ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહા પણ જોડાયા હતા. તેમણે રેલીને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, જો આજે અટલબિહારી વાજપેયી વડાપ્રધાન હોત તો તેઓએ પોતાના મંત્રીઓને જ આદેશ આપ્યો હોત કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી સાથે ધરણા પર બેસો અને સમસ્યાનું ઉકેલ લાવો. તેમણે દિલ્હીની સ્થિતિ અંગે ઘેરૂ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ અરવિંદ કેજરીવાલના સમર્થનમાં આવ્યા હતા. તેમણે મોદી સરકારને અપીલ કરી હતી કે ઉપરાજ્યપાલના મુદ્દાને તાત્કાલિક અસરથી ઉકેલે અને દિલ્હીની જનતાને પરેશાનીમાંથી મુક્તિ અપાવે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના કેબીનેટ મંત્રીઓ છેલ્લા ત્રણ દિવસથી ઉપરાજ્યપાલ અનિલ બૈજલની કચેરીમાં ધરણા કરી રહ્યા છે જ્યારે ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ બુધવારે અચોક્કસ મુદ્દતના ઉપવાસ શરૂ કર્યા હતા. આ પહેલા મંગળવારે સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને પક્ષની માગો મુદ્દે અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ આદરી હતી. કેજરીવાલ અને મનિષ સિસોદિયા સાથે સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાયે આંદોલન કરી રહેલા આઇએએસ અધિકારીઓ વિરૂદ્ધ અને ડોરસ્ટેપ રાશન ડીલીવરી સ્કીમને મંજૂરી આપવા મુદ્દે સોમવારથી ઉપરાજ્યપાલની કચેરીમાં ધરણા કરી રહ્યા છે. બીજી તરફ આપના અન્ય ધારાસભ્યો અને આપના હજારો સમર્થકોએ ઉપરાજ્યપાલ અનિલ બૈજલના ઘર સુધી રેલી કાઢી પહોંચ્યા હતા જોકે, ઉપરાજ્યપાલ અનિલ બૈજલના ઘરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું.
દરમિયાન કેજરીવાલે ઉપરાજ્યપાલની કચેરીમાંથી વીડિયો મેસેજ કર્યો હતો જેમાં લખ્યું હતું કે, અમે અમારા માટે અહીં ધરણા પર બેઠા નથી પરંતુ અમે અહીં દિલ્હીના લોકો માટે, સ્કૂલો માટે, પાણી અને મોહલ્લા ક્લીનિક માટે છીએ જેથી દિલ્હીના લોકોને સુવિધાઓ મળી શકે. બીજી તરફ દિલ્હી કોંગ્રેસ અને ભાજપે કેજરીવાલના ધરણા અને દેખાવોને ફગાવી દીધા હતા. કોંગ્રેસે જણાવ્યું હતું કે, કેજરીવાલના ઉપરાજ્યપાલની કચેરીમાં ધરણા લોકતંત્રની મજાક છે, બીજી તરફ કેજરીવાલના ઘરની સામે ભાજપના કાર્યકરોએ દેખાવો કર્યા હતા. દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દિક્ષિતે જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ પોતાની બંધારણીય ફરજ અંગે ગંભીર નથી અને તેમના કારણે દિલ્હીવાસીઓને ભોગવવાનો વારો આવી રહ્યો છે.