અમદાવાદ,તા. ૨
આમ આદમી પાર્ટી દ્વારા આજે તા.૨જી ઓકટોબરના રોજ ગાંધી જયંતિના દિવસથી ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇને પોતાના પક્ષના પ્રચારનો શહેરમાં એક વિશાળ રોડ શો યોજીને વિધિવત્ પ્રારંભ કરવામાં આવ્યો હતો. નરોડા પાસે નાના ચિલોડા સર્કલથી૨૨ કિલોમીટર લાંબા રોડ શોમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગોપાલ રાય સહિતના આગેવાનો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જો કે, રોડ શો દરમ્યાન આપના કાર્યકર્તાની એક કારમાં અચાકન આગ લાગતાં થોડીવાર માટે ભારે દોડધામ મચી ગઇ હતી. જો કે, ફાયરબ્રિગેડને બોલાવી આગ બુઝાવાઇ હતી. આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલા રોડ શોની બપોરે દોઢેક વાગ્યાની આસપાસ નરોડા નાના ચિલોડા સર્કલથી શરૂઆત થઇ હતી, જે નરોડા પાડિયા, ઓઢવ સોનીની ચાલી, નાગરવેલ હનુમાન, સારંગપુર ચાર રસ્તા, આસ્ટોડિયા, શાહઆલમ ચાર રસ્તા, જમાલપુર ફ્રુટ માર્કેટ, પાલડી ચાર રસ્તા, જૂની નટરાજ સિનેમા થઇ રિવરફ્રન્ટ ખાતે સાંજે ૭-૦૦ વાગ્યે સમાપન થયું હતું. રોડ શોમાં આપના સંખ્યાબંધ કાર્યકરો અને અગ્રણીઓ બાઇક, સ્કુટર અને ફોર વ્હીલર સાથે જોડાયા હતા. આપના આગેવાનો અને કાર્યકરો દ્વારા સરકારની પ્રજા વિરોધી નીતિ અને નિર્ણયો પર ચાબખા મારતા બેનરો, પ્લે કાર્ડ પણ લોકોને દર્શાવી જાગૃત કરાયા હતા. આમ આદમી પાર્ટીના આવતીકાલના રોડ શોને લઇ શહેર પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીની પણ કડક વ્યવસ્થા કરાઇ હતી. રોડ શો ના સમગ્ર રૂટ પર પૂરતા પ્રમાણમાં સુરક્ષા જવાનો અને પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા હતા.