ભાવનગર, તા.૪
ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેર અને પંથકમાં ભારે ચકચાર બનેલી ઘટનામાં પાલિતાણામાં કોર્ટ પાછળ પ૦ વારિયામાં રહેલી મુસ્કાન હનિફભાઈ કુરેશી (ઉ.વ.૧૭) પર તેના જ સગા ભાઈ અબ્બાસે મોબાઈલ ફોનમાં વાત કરવાના મામલે થયેલા ઝઘડામાં ઉશ્કેરાઈ જઈ અબ્બાસે મુસ્કાન પર છરીના આડેધડ ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં પાલિતાણા ટાઉન પોલીસ કાફલાએ દોડી જઈ આ ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે આ ઘટનામાં વધુમાં જાણવા મળ્યા મુજબ હત્યાની ઘટના બાદ થોડાક જ કલાકમાં પાલિતાણા રહેતા જગદીશ ઉર્ફે જગો બુધાભાઈ મકવાણા (ઉ.વ.રર) નામના યુવાને પોલીસ લાઈન પાછળ માળીની વાડી વિસ્તારમાં એક ઝાડ સાથે લટકી જઈ ગળેફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. હત્યાનો ભોગ બનનાર મુસ્કાનને આ યુવાન સાથે પ્રેમ સંબંધ હતો તેવી ચર્ચા વ્યાપક છે અને યુવતીના ભાઈ અબ્બાસને મુસ્કાનના પ્રેમપ્રકરણની જાણ થતા ઉશ્કેરાઈ જઈ મુસ્કાનની હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.