અમદાવાદ, તા. ૨૦
અમદાવાદ શહેરમાં વધુ એક વાર લૂંટની ઘટના સામે આવી છે જેમાં બેંકની બહાર થયેલી લૂંટની ફરિયાદ કરનાર ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. જો કે પોલીસ પહેલા રોકડ ભરેલી બેગની ચીલઝડપનો કેસ સમજીને તેની થિયરી ઉપર તપાસ કરી હતી. પરંતુ ફરિયાદીની વાત પરથી શંકા જતા પોલીસે ફરિયાદીની ઊલટ તપાસ કરતા તેણે વટાણા વેરી નાખ્યા હતા અને તેણે જ આ લૂંટનુ તરકટ રચ્યું હોવાનું કબૂલ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં મણિનગર ખાતે ખાનગી કંપનીના કર્મચારી પાસેથી રૂપિયા ભરેલી બેગની ચીલઝડપનો કેસ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખ્યો. પોલીસે ફરિયાદીની પૂછપરછ કરતા તેણે જ આ બનાવટી લૂંટનું તરકટ ઘડીને સમગ્ર પ્લાન બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીની પોલીસે જ્યારે કડકાઇથી પૂછપરછ કરી ત્યારે તેણે કબૂલાત કરી કે કુલ ૩ લોકોએ આ સમગ્ર લૂંટનો પ્લાન ઘડ્યો હતો. કર્મચારી ઓફિસથી ૨.૨૫ લાખ લઇને નીકળ્યો હતો. જો કે, અમદાવાદના હિસાબના ચાર લાખ બાકી હોવાથી હિસાબને સરભર કરવા માટે તેણે આ લૂંટનું તરકટ રચ્યું હતું. અમદાવાદમાં લૂંટની આ ચકચારી ઘટનામાં સૌ પ્રથમ મણિનગર પોલીસને રૂપિયા ૭.૫૦ લાખની લૂંટનો કોલ મળ્યો હતો. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરી તો સૌ પ્રથમ એવી હકિકત બહાર આવી કે ખાનગી કંપનીનો કર્મચારી બેંકમાં રૂપિયા ૭.૫૦ લાખ રૂપિયા બેગમાં લઇને જઇ રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા શખ્સો આવી અને રૂપિયા ભરેલી બેગ લૂંટીને ફરાર થઇ ગયા હતા. જે બાદ પોલીસે આ સમગ્ર કેસમાં જે ફરિયાદી હતો તેની ઉલટ તપાસ કરી તો કર્મચારીએ પોલીસ સમક્ષ વટાણા વેરી નાખ્યા હતા અને તેણે કબૂલાત કરી હતી કે, તેણે જ તેના સાથીઓ સાથે મળીને લૂંટનું આ તરકટ ઘડી કાઢ્યું હતું. ત્યારે પોલીસે લૂંટના ફરિયાદીને લૂંટના ગુનામાં પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.